કોસ્ટલ રોડને વિરાર સુધી લંબાવવામાં આવશે

02 June, 2023 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા તબક્કામાં વરલી, બીજા તબક્કામાં બાંદરાથી કાંદિવલી અને ત્રીજા તબક્કામાં દહિસર, ભાઈંદર અને વિરાર સુધીનો રસ્તો બની ગયા બાદ વેસ્ટર્ન સબર્બ્સમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે

ફાઇલ તસવીર

દક્ષિણ મુંબઈના નરીમાન પૉઇન્ટથી વરલી સુધી બાંધવામાં આવી રહેલા ૯.૯૮ કિલોમીટરના કોસ્ટલ રોડના પહેલા તબક્કાનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે. બીજા તબક્કામાં બાંદરા-વરલી સી-લિન્કથી કાંદિવલી સુધીનું કામ અને ત્રીજા તબક્કામાં કાંદિવલીથી દહિસર, ભાઈંદર અને વિરાર સુધીનું કામ હાથ ધરવામાં આવશે એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઈથી બાંદરા સુધી ચાલી રહેલા કોસ્ટલ રોડના કામકાજની ચકાસણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણસવીસે કરી હતી. દક્ષિણ મુંબઈથી કાંદિવલી સુધીના ૨૯.૨ કિલોમીટર લાંબા કોસ્ટલ રોડના પહેલા અને બીજા તબક્કાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.

આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘કોસ્ટલ રોડ કાંદિવલી સુધી જ નહીં પણ દહિસર, ભાઈંદર અને છેક વિરાર સુધી લંબાવવામાં આવશે. આ રોડ બની ગયા બાદ વેસ્ટર્ન સબર્બ્સની અત્યારની ટ્રાફિકની મુશ્કેલી ઓછી થશે. અત્યારે ધસારાના સમયે વાહનોનો બમ્બર-ટુ-બમ્પર ટ્રાફિક રહે છે. એમાંથી મુંબઈગરાઓને છુટકારો મળશે. દક્ષિણ મુંબઈથી બાંદરા સુધીના ૯.૯૮ કિલોમીટરનું કામ પૂરું થવામાં છે અને બાંદરાથી કાંદિવલીના ૧૯.૨૨ કિલોમીટરની લંબાઈનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.’

દક્ષિણ મુંબઈથી વિરાર સુધીનો આઠ લેનનો કોસ્ટલ રોડ તૈયાર થઈ ગયા બાદ એમાં દરરોજ ૧,૩૦,૦૦૦ વાહનોની ઝડપી અવરજવર શક્ય થશે અને પ્રવાસના સમયમાં રાહત થશે. અત્યારે વેસ્ટર્ન સબર્બ્સથી દક્ષિણ મુંબઈમાં જવા માટે જ્યાં સરેરાશ બે કલાક લાગે છે એની સામે કોસ્ટલ રોડમાં માત્ર ૪૦ મિનિટમાં પહોંચી શકાશે. પાંચ વર્ષમાં સંપૂર્ણ કોસ્ટલ રોડ બનાવવા માટે ૧૨,૭૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આદિત્ય ઠાકરેને શ્રીકાંત શિંદે પડકારશે

એકનાથ શિંદેએ શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન ધનુષબાણ મેળવ્યા બાદ પણ મુંબઈમાં શિવસેના પર ઉદ્ધવ ઠાકરેની મજબૂત પકડ છે. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની પકડને પડકારવા માટે એકનાથ શિંદે જૂથે તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. શ્રીકાંત શિંદે ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતાઓ અનિલ પરબ, સાંસદ વિનાયક રાઉત અને આદિત્ય ઠાકરેના મતદાર ક્ષેત્રમાં વધુમાં વધુ કાર્યક્રમ યોજશે. યુવાસેનાના માધ્યમથી શ્રીકાંત શિંદે લોકોને ઉપયોગી થાય એવા કાર્યક્રમોનું આયોજન કરશે એમ જાણવા મળ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ઉજવણી શરૂ

હિન્દવી સ્વરાજની સ્થાપના કરનારા મરાઠા કિંગ છત્રપતિ શિવાજી મહારાજનો ૧૬૭૪ની ૬ જૂને રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો, જેને ૩૫૦ વર્ષ થઈ રહ્યાં છે. આને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલથી ૬ જૂન સુધી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક સંબંધી ઉજવણી શરૂ કરવામાં આવી છે. છત્રપતિની રાજધાની રાયગડ કિલ્લો હતો ત્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની સાથે મુંબઈમાં છત્રપતિના જીવન આધારિત મહાનાટક ‘જાણતા રાજા’ના શોનું ગેટવે ઑફ ઇન્ડિયા પાસે કરવામાં આવ્યું છે. ૭ જૂન સુધી અહીં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે જેની ટિકિટ શહેરના તમામ નાટ્ય-હૉલમાંથી મેળવી શકાશે. 

અધિકારીઓને નોટિસ

કિરીટ સોમૈયાએ ગઈ કાલે દાવો કર્યો હતો કે મુંબઈમાં ઓપન પ્લૉટમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહેલી હોટેલમાં રવીન્દ્ર વાયકરના પાર્ટનર ઉદ્ધવ ઠાકરે છે. હોટેલ બાંધવા માટે ઉદ્ધવ ઠાકરેએ પરવાનગી આપી છે. આ સંબંધે ફરિયાદ કરી હતી એના અનુસંધાનમાં બીએમસીના અડધો ડઝન અધિકારીઓને નોટિસ મોકલવામાં આવી છે અને ટાઉન પ્લાનિંગ વિભાગની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

mumbai mumbai news south mumbai nariman point worli bandra kandivli dahisar bhayander virar indian coast guard