16 June, 2023 12:10 PM IST | Mumbai | Rajendra B Aklekar
બાંદરા સ્ટેશનથી ટર્મિનસ જવાનો હાલનો રસ્તો
બાંદરા ટર્મિનસ સુધી પહોંચવા માટે ગયા વર્ષે ખાર સ્ટેશનથી ૩૧૪ મીટર લાંબો સ્કાયવૉક બનાવવામાં આવ્યો હતો. હવે બાંદરા સ્ટેશન અને ટર્મિનસને જોડવામાં આવશે. આમ બાંદરા સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ બાંદરા ટર્મિનસ સુધી પહોંચવા માટે મુસાફરોએ રિક્ષાવાળાઓની દાદાગીરીનો સામનો નહીં કરવો પડે.
બાંદરા સ્ટેશનનો સ્કાયવૉક આ લાઇનનો સૌથી લાંબો સ્કાયવૉક હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ૨૪.૬૨ કરોડ રૂપિયા છે. મુસાફરો ઘણા સમયથી ટર્મિનસ અને સ્ટેશન વચ્ચે સ્કાયવૉકની માગ કરી રહ્યા હતા, કારણ કે ત્યાં પહોંચવું ઘણું જ મુશ્કેલ હતું. હવે ખાર અને બાંદરા લોકલ સ્ટેશનથી બાંદરા સ્ટેશન જઈ શકાશે. આમ બાંદરા ટર્મિનસ સુધી પહોંચવાનો પ્રશ્ન કાયમ માટે સમાપ્ત થઈ જશે. ખાર સ્ટેશનને પણ બે ડેકમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. સુધરાઈએ પણ સ્કાયવૉક બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ એ કામ હજી આગળ વધ્યું નથી. જોકે વેસ્ટર્ન રેલવેએ બાંદરા સ્ટેશન પર સારી કામગીરી બજાવી છે.
એક પ્રવાસી ધીરજચંદ ગાલાએ કહ્યું હતું કે ‘બાંદરા ટર્મિનસ આવતા તેમ જ ત્યાંથી જતા મુસાફરો માટે સ્કાયવૉક વરદાનરૂપ સાબિત થશે. રેલવેએ મુસાફરોને આ મામલે યોગ્ય જાણકારી મળે એ માટે માહિતી આપતાં સાઇનબોર્ડ મૂકવાં જોઈએ. આમ ટર્મિનસ પર આવતા નવા પ્રવાસીઓ ઑટોમાફિયાનો શિકાર થતા અટકશે.’