18 December, 2024 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેની વામન શંકર મરાઠે જ્વેલર્સનો શોરૂમ.
થાણેના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી વામન શંકર મરાઠે જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં સોમવારે મોડી રાતે ૧.૩૦થી ૩ વાગ્યાની વચ્ચે દુકાનના શટરનાં તાળાં તોડીને સાડાપાંચ કરોડ રૂપિયાના સોનાના સાડાછ કિલો દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ બનાવથી થાણેના જ્વેલરોમાં ખળભળાટ મચી ગયો હતો. આ બાબતની થાણે નૌપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
એક પોલીસ-અધિકારીએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૦થી ૧૦.૩૦ વાગ્યે શોરૂમના માલિક વામન મરાઠે તેમનો શોરૂમ ખોલવા ગયા ત્યારે તેમને શટરનાં તાળાં તૂટેલાં જોઈને કોઈ અણબનાવ બની ગયાનો અણસાર આવ્યો હતો. ચોરોએ અભિવાદન બિલ્ડિંગના ભોંયતળિયે અને પહેલા માળે આવેલી દુકાનોના શટરનાં તાળાં તોડીને ચોરી કરી હતી. આ ચોરીની ઘટના તેમની દુકાનના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. એ પ્રમાણે આ ચોરીને બે માણસોએ રાતના ૧.૩૦થી ૩ વાગ્યાની વચ્ચે અંજામ આપ્યો હતો. ત્યાર પછી ગઈ કાલે સાંજના છ વાગ્યા સુધી કેટલા દાગીના ચોરાયા છે એનો હિસાબ કર્યા પછી વામન મરાઠેની ફરિયાદ નોંધવામાં આવી હતી. અમે CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ચોરોની તપાસ શરૂ કરી છે.’