લૌટ કે બુદ્ધુ ઘર કો આએ અને પકડાઈ ગયા

14 September, 2024 10:20 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ક્રાઇમ થ્રિલર ફિલ્મને ટક્કર આપે એવી ઘટનાનો પર્દાફાશ કરીને વસઈની પોલીસે ઉલ્હાસનગરના પેટ્રોલ-પમ્પના માલિકના અપહરણ, મર્ડર અને લૂંટનો કેસ ઉકેલ્યો

આરોપીઓને ઉત્તર પ્રદેશથી પકડી લાવનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ.

લાખો રૂપિયાની સોનાની હીરાજડિત વીંટી અને કીમતી ઘડિયાળ નેપાલમાં કોઈએ ન ખરીદી એટલે લૂંટારાઓ ભારત પાછા ફર્યા અને ઝડપાઈ ગયા 

ઉલ્હાસનગરમાં રહેતા ૭૫ વર્ષના રામચંદ્ર કાકરાનીનું પૈસા માટે તેમના જ ડ્રાઇવર મુકેશ ખૂબચંદાનીએ કાવતરું ઘડી તેના સાથીદારો સાથે મળીને પહેલાં અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ હત્યા કરીને લૂંટ ચલાવી હતી. પેટ્રોલ-પમ્પના માલિક રામચંદ્ર કાકરાનીની સોનાની હીરાજડિત વીંટી, કીમતી ઘડિયાળ, મોબાઇલ અને કૅશ લૂંટીને તેઓ નાસી ગયા હતા. તેમણે એ વીંટી અને ઘડિયાળ નેપાલમાં જઈને વેચવાની કોશિશ કરી હતી, પણ ત્યાં ચોરીની વીંટી અને ઘડિયાળ કોઈએ તેમના ભાવે ખરીદી નહીં એટલે આખરે તેઓ ગોરખપુર પાછા ફર્યા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા.  

નાયગાંવ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ અપહરણ, લૂંટ અને હત્યાનો આ કેસ ઉકેલવા તથા નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા બહુ મહેનત કરવી પડી હતી. પોલીસે નાયગાંવના જે વિસ્તારમાંથી રામચંદ્ર કાકરાનીની બૉડી મળી હતી ત્યાંના મોબાઇલ ટાવરના ડેટા કઢાવ્યા હતા જેમાં મુકેશ અને તેની સાથે બીજા બે સાગરીત રામલાલ અને અનિલ નેપાલી હોવાનું જણાઈ આવ્યું હતું. એથી તેમના વિશે માહિતી કઢાવતાં તેઓ ભારત-નેપાલની બૉર્ડર પાસેના સિદ્ધાર્થનગરમાં રહેતા હોવાનું જણાઈ આવ્યું હતું. એથી તેમને શોધવા પોલીસની ટીમ સિદ્ધાર્થનગર ગઈ ત્યારે ખબર પડી કે આરોપીઓ તો નેપાલ ચાલ્યા ગયા છે.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૨ના વસઈના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ રામચંદ્ર કાકરાનીની કીમતી વીંટી અને ઘડિયાળ વેચવા નેપાલ ગયા હતા. ભારતીય એક રૂપિયા સામે ત્યાં એક રૂપિયો ૬૦ પૈસા મળે છે. એથી તેમને વધારે પૈસા મળશે એવો અંદાજ હતો. તેમની અપેક્ષા હતી કે ૧૦ લાખ રૂપિયા તો મળવા જોઈએ. ત્યાં કોઈએ ચોરાયેલી કીમતી વીંટી તેમની પાસેથી એ ભાવમાં લીધી જ નહીં. તેમને વધુમાં વધુ ચારથી પાંચ લાખ રૂપિયા જ ઑફર થતા હતા એટલે એ વેચ્યા વગર જ તેઓ ગોરખપુર પાછા ફર્યા હતા. પછી અમે મુકેશ ખૂબચંદાની અને અનિલ રાજકુમાર ઉર્ફે નેપાલી મલ્લાહને ઝડપી લીધા હતા. અમે આરોપીઓ પાસેથી ૧૫,૧૭,૦૦૦ રૂપિયાની લૂંટેલી મતા વીંટી, ઘડિયાળ અને કૅશ હસ્તગત કર્યાં છે. ત્રીજા આરોપીની શોધ કરી રહ્યા છીએ.’ 

ચાલુ કારમાં રૂમાલથી ગળું દબાવીને હત્યા કરી

પોલીસે કરેલી તેમની પ્રાથમિક પૂછપરછ મુજબ ડ્રાઇવર મુકેશે તેના માલિક રામચંદ્ર કાકરાનીને પહેલાં તો ભિવંડીમાં જ લૂંટવાનો પ્લાન કર્યો હતો, પણ એ શક્ય ન બન્યું​ એટલે તેણે પ્લાન ફેરવવો પડ્યો હતો. કાકરાની તેમના વિરારના ચંદનસારના પેટ્રોલ-પમ્પની કૅશ કલેક્ટ કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે મુકેશે તેના બે સાગરીતોને ભિવંડીના પારોળેથી કારમાં બેસાડી દીધા હતા. તે બન્નેએ ચાલુ ગાડીએ રામચંદ્ર કાકરાનીનું ગળું રૂમાલથી ભીંસી દીધું હતું. ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ ચાલુ​ કારમાં જ રામચંદ્ર કાકરાનીનું ગળું દબાવી દીધું હતું. એક-દોઢ મિનિટ રૂમાલ ભીંસ્યા બાદ શ્વાસ રૂંધાવાથી તે મૃત્યુ પામ્યા હતા, પણ આરોપીઓએ ખાતરી કરવા ટાઇમ લીધો અને એ પછી ફરી એક વાર વિરાર તરફ કાર વાળી હતી. આખરે મુંબઈ-અમદાવાદ હાઇવે પાસે નાગલે ગામની હદમાં તે મરી ગયા હોવાની ખાતરી થયા બાદ તેમણે કલેક્ટ કરેલી ૧.૪૮ લાખની કૅશ, તેમની વીંટી અને મોબાઇલ લઈને મૃતદેહને રેઢો મૂકીને કાર છોડીને નાસી ગયા હતા.’

આરોપીઓ ત્યાંથી ચાલીને વસઈ ફાટાની કૃષ્ણા ઉડિપી સુધી ગયા હતા. ત્યાંથી રિક્ષા પકડીને વિરાર ફાટા ગયા અને ત્યાંથી ગુજરાત જતી લક્ઝરી બસ પકડીને તલાસરી સુધી ગયા હતા જે અલગ-અલગ જગ્યાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગયું હતું. 

mumbai news mumbai ulhasnagar Crime News mumbai crime news vasai