આવતી કાલે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો જોવા પહોંચી જાઓ સીએસએમટી

16 April, 2022 09:51 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ભારતીય રેલવેની ૧૭૦મી ઉજવણી અને વર્લ્ડ હેરિટેજ ડેના ઉપલક્ષ્યમાં રેલવેએ મહાનુભાવોની હાજરીમાં કર્યું છે કલાકારો દ્વારા એક કલાત્મક શોનું આયોજન

ભારતીય રેલવેના ૧૭૦મા વર્ષ તેમ જ વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને ૧૧૦૦ લાઇટોથી શણગારવામાં આવ્યું છે. તસવીર: આશિષ રાજે

આવતી કાલે ભારતીય રેલવેનું ૧૭૦મું વર્ષ તેમ જ વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને થિયેટરમાં પરિવર્તિત કરવામાં આવશે. સન્માનનીય પદ્‍મ મહાનુભવોની ઉપસ્થિતિમાં ઇમારતની દરેક કમાનમાં ડાન્સર્સ સાથે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો યોજાશે. ભારતીય રેલવેનો ૧૭૦મો જન્મદિવસ ૧૬ એપ્રિલે છે તો વર્લ્ડ હેરિટેજ ડે ૧૮ એપ્રિલે છે. આ શોનું નામ ‘નવરસ સંગમ - એક ગાથા સીએસએમટી કી’ રાખવામાં આવ્યું છે. એમાં સીએસએમટી ઇમારતના ઐતિહાસિક મહત્ત્વ વિશે જણાવવામાં આવશે, જેને ૭૦ જેટલા કલાકારો રજૂ કરશે. વળી આ બધા રેલવેના જ કર્મચારીઓ છે. ઑડિયો-ટ્રૅક પણ રેલવેના કલાકારો દ્વારા જ બનાવવામાં આવ્યો છે. 
૧૩૪ વર્ષ જૂની ઇમારત 
૧૩૪ વર્ષ જૂની ઇમારતને ૧૧૦૦ જેટલી લાઇટ દ્વારા ઝળહળતી કરવામાં આવશે. અગાઉ ૪૫૦ લાઇટ હતી, પરંતુ એ ઝાંખી થઈ ગઈ છે. એને બદલે નવી એલઈડી લાઇટ્સ બેસાડવામાં આવી છે. એશિયાની પહેલી ટ્રેન મુંબઈ અને થાણે વચ્ચે ૧૮૫૩ની ૧૬ એપ્રિલે દોડી હતી. રેલવે એની સર્વિસમાં ૧૭૦મા વર્ષમાં પ્રવેશ કરશે. વળી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને જોતાં સેન્ટ્રલ રેલવેએ અલગ પ્રકારના લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું આયોજન કર્યું છે. 
સીએસએમટીનો ઇતિહાસ
સેન્ટ્રલ રેલવેનું આ હેડક્વૉર્ટર પહેલાં વિક્ટોરિયા ટમિર્નસ તરીકે જાણીતું હતું. એનું નિર્માણ ૧૮૭૮માં શરૂ કરવામાં આવ્યું હતું અને ૧૮૮૮માં પૂરું થયું હતું. ૧૯૨૯માં એમાં પહેલો સુધારો કરવામાં આવ્યો હતો તેમ જ સબર્બન સ્ટેશનને જોડીને કુલ ૧૩ પ્લૅટફૉર્મવાળું સ્ટેશન બનાવાયું હતું. મે ૧૯૯૦માં સબર્બન ટ્રાફિકમાં વધારો થતાં બન્ને બાજુથી ઊતરી શકાય એવાં પ્લૅટફૉર્મ બનાવવામાં આવ્યાં. ૧૯૯૬માં સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ કરવામાં આવ્યું. જુલાઈ ૨૦૦૪માં યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ મૉન્યુમેન્ટમાં એ સ્થાન પામ્યું હતું. 

mumbai mumbai news chhatrapati shivaji terminus rajendra aklekar