વાલીઓ પાસેથી એનઓસી લઈને હાથ ખંખેરી ન શકાય

27 February, 2024 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેની ઇન્ટરનૅશનલ સ્કૂલની ​પિક​નિક વખતે બાળકીઓની છેડતી કરાઈ હતી એ ઘટનામાં સ્કૂલ પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

થાણેની સ્કૂલની બીજા ધોરણની બાળકીઓની ​પિકનિક પર ગયેલી બસમાં થયેલી છેડતીની ઘટનામાં હવે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એમએસસીપીસીઆર)નાં ચૅરપર્સન સુશી શાહે કહ્યું હતું કે ‘જે ઘટના બની એ બહુ જ ડિસ્ટર્બિંગ હતી. ફરી એવું ન બને એ માટે કાળજી લેવાવી જઈએ; એટલું જ નહીં, બાળકોની સુરક્ષા એ સ્કૂલની જવાબદારી ગણાય. વાલીઓ પાસેથી એનઓસી લીધા પછી પણ સ્કૂલ એ જવાબદારીમાંથી છટકી ન શકે.’  

સુશી શાહે આ સંદર્ભે પત્રકારોને કહ્યું હતું કે ‘એ હચમચાવનારી ઘટના માટે સ્કૂલ મૅનેજમેન્ટ પૂરેપૂરી રીતે જવાબદાર ગણાય. સ્કૂલ મૅનેજમેન્ટે જાહેરમાં સ્વીકારવું જોઈએ કે એ એની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. સ્કૂલ મૅનેજમેન્ટે બાળકોની સેફ્ટી રાખવી જ પડે. ​પિક​નિક માટે વાલીઓ પાસેથી એનઓસી લેવાથી વાત પતી જતી નથી. તેમણે આગળ જઈને પણ જવાબદારી તો લેવી જ પડે.’

સુશી શાહે વધુમાં કહ્યું હતું કે ‘આ ઘટના બાબતે તપાસ થશે અને એના પર હું જાતે નજર રાખીશ. આ ઘટનાનો ભોગ બનેલી બાળકીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ પણ કરાશે. સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર અને એના યોગ્ય અમલીકરણમાં જે ખામી હશે એ દૂર કરવી પડશે. ​પિકનિક પર રોક ન લગાવી શકાય, પણ એ વખતે બાળકોની સુરક્ષા જળવાઈ રહે એનું ધ્યાન રાખવું પડશે.’

શું બન્યું હતું?
થાણેની ઇન્ટરનૅશનલ બોર્ડની સ્કૂલના બીજા ધોરણનાં બાળકોની ગયા અઠવા​ડિયે ઘાટકોપર ગયેલી ​પિકનિક વખતે બાળકોને બસમાં ફૂડ સર્વ કરવા આવેલા વેન્ડરના કર્મચારીએ બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવી તેમને ખોળામાં બેસવાનું અને કિસ કરવાનું કહીને તેમની છેડતી કરી હતી. આ સંદર્ભે ગુડ ટચ ઍન્ડ બૅડ ટચની સમજ ધરાવતી બાળકીઓએ ઘરે જઈને આ બાબતે મમ્મી-પપ્પાને કહ્યું ત્યારે ઊહાપોહ મચી ગયો હતો અને વાલીઓએ સ્કૂલ મૅનેજમેન્ટ સામે જોરદાર દેખાવો કર્યા હતા. એ પછી કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાયો હતો અને પોલીસે આરોપીને ઝડપી લઈને તેની સામે અન્ય કલમો સ​હિત પોક્સો હેઠળ કેસ નોંધ્યો હતો.   

mumbai news mumbai thane crime thane Crime News