03 December, 2024 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં રહેતી ૧૩ વર્ષની બાળકીને ૫૦ રૂપિયાની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરનારા ત્રણ આરોપીઓની મુલુંડ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. બાળકીને પેટમાં તીવ્ર દુખાવો થતાં તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં બાળકી ગર્ભવતી હોવાનું પ્રકાશમાં આવતાં હૉસ્પિટલના ડૉક્ટરે મુલુંડ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધીને ફરાર આરોપીની તપાસ હાથ ધરી હતી.
બાળકી જે વિસ્તારમાં રહે છે એ જ વિસ્તારમાં રહેતા ત્રણ લોકોની અમે ધરપકડ કરી છે એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર શિવાજી ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકી અને તેની મમ્મી પાસેથી મળેલી માહિતી અનુસાર અમે આરોપીની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. ઉપરાંત જે વિસ્તારમાં બાળકી રહે છે એ વિસ્તાર નજીક લાગેલા અનેક ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસ્યાં હતાં, જેમાંથી અમે ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. આરોપીએ નવેમ્બર મહિનામાં બાળકી સાથે અત્યાચાર ગુજાર્યો હોવાની માહિતી અમને મળી છે. આ કેસમાં વધુ આરોપીઓ સંડોવાયેલા હોય એવી પૂરેપરી શક્યતા છે. હાલ અમે વધુ તપાસ કરી રહ્યા છે અને બાળકી પાસેથી પણ વધુ માહિતી કઢાવી રહ્યા છીએ.’