ચોરાયેલો મોબાઇલ પાછો લેવા જતાં યુવતીએ ગુમાવ્યા ૨.૮૦ લાખ

24 August, 2023 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતથી નોકરી કરવા માટે મુંબઈ આવેલી યુવતીનો મોબાઇલ ચોરાયા પછી ચોરે તેને વાતોમાં રાખીને તેના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના દ્વારકાથી મુંબઈ નોકરી કરવા આવેલી યુવતી વેસ્ટર્ન સબર્બ્સમાં ઘર શોધી રહી હતી એ દરમ્યાન એજન્ટ દ્વારા બતાવાયેલા ઘરને જોવા જતાં તેનો મોબાઇલ રસ્તામાં ચોરાઈ ગયો હતો. એને શોધવા માટે તેણે પોતાના નંબર પર ફોન કર્યો ત્યારે અજાણ્યા યુવાને ફોન ઉપાડીને પહેલાં તો તેને મોબાઇલની જરૂર હોવાની વાત કહી હતી. ત્યાર બાદ તેણે ફોન પાછો આપવાનો વાયદો કરીને કલાકો સુધી યુવતીને બોરીવલી અને મલાડમાં ફેરવી હતી. ત્યાર બાદ તેણે યુવતીનો નંબર બંધ કરી દીધો હતો. યુવતીએ પોતાના બૅન્ક-અકાઉન્ટની માહિતી કાઢી ત્યારે તેના અકાઉન્ટમાંથી ૨.૮૦ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાનું સમજાયું હતું.

મલાડના માર્વે રોડ વિસ્તારની એક સોસાયટીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી બાવીસ વર્ષની પલ્લવી રમેશ ભાયાણીએ કરેલી ફરિયાદ અનુસાર તે મૂળ દ્વારકાની છે. તે મુંબઈમાં ડિપોઝિટ પર ઘર શોધી રહી હતી, જેના માટે ઘણા ઓળખીતાને ઘર બતાવવા કહ્યું હતું. દરમ્યાન તેની પરિચિત આર્યન નામની વ્યક્તિએ મલાડમાં જનકલ્યાણનગર ખાતે ડિપોઝિટ પરના મકાન વિશે જાણ કરી હતી. એથી તે ઘર જોવા અને બ્રોકરને મળવા મલાડ જઈ રહી હતી. એ સમયે જોરદાર વરસાદ પડતાં તે જનકલ્યાણનગરના એક સ્ટૉલ પર નાસ્તો કરવા ઊભી રહી હતી. એ સમયે આર્યને પલ્લવીનો ફોન તેના પાછળના ખિસ્સામાં રાખ્યો હતો. ત્યાર બાદ બ્રોકર સાથે વાતચીત કરવા પલ્લવીએ પોતાનો મોબાઇલ આર્યન પાસે માગ્યો ત્યારે એ તેના ખિસ્સામાંથી મળ્યો નહોતો. મોબાઇલ ન મળતાં આર્યને તેના મોબાઇલથી ફરિયાદીના મોબાઇલ પર ફોન કર્યો ત્યારે એ બંધ આવતો હતો. વારંવાર ફોન કરવાથી થોડી વાર પછી તેનો ફોન અજાણ્યા માણસે ઉપાડ્યો હતો. તેણે ફોન પાછો આપવાની વિનંતી કરતાં સામેની વ્યક્તિએ મજબૂરીમાં મોબાઇલ લીધો હોવાની વાત કરી હતી. ફોન પાછો આપવાની વારંવાર વિનંતી કરતાં મોબાઇલ લેનાર વ્યક્તિએ બોરીવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ત્રણ પર આવવા તેમને કહ્યું હતું. પલ્લવી તરત બોરીવલી રેલવે સ્ટેશને પહોંચી હતી, જ્યાં કલાકો સુધી માઇન્ડગેમ રમ્યા બાદ આરોપીએ મોબાઇલ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ પલ્લવીએ પોતાના બૅન્ક-ખાતામાં તપાસ કરી ત્યારે તેના બૅન્ક-અકાઉન્ટમાંથી ૨.૮૦ લાખ ઊપડી ગયા હોવાનું સમજાતાં તેણે ચારકોપ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.

ચારકોપ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે આરોપીએ ફરિયાદીનો મોબાઇલ લીધા બાદ યુપીઆઇ અકાઉન્ટમાંથી પૈસા કાઢવા એ ફોન ચાલુ કર્યો હતો. પૈસા કાઢી લીધા બાદ તેણે ફોન બંધ કરી દીધો હતો. ફરિયાદી પોતાનું બૅન્ક-અકાઉન્ટ બંધ ન કરાવે એ માટે તેને વ્યસ્ત રાખવા આરોપી માઇન્ડગેમ રમ્યો હતો.’ 

Crime News mumbai crime news malad dwarka gujarat mumbai mumbai news