નવ વર્ષ પહેલાં લગ્ન, પછી પાળ્યું બ્રહ્મચર્ય અને અંતે સંયમના માર્ગે

01 December, 2023 11:00 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપરનું યુવાન દંપતી આખરે ૧૪ ડિસેમ્બરે જશે સંયમના પંથે : દીકરી અને જમાઈની સાથે સાસુ-સસરા પણ આ માર્ગ ગ્રહણ કરશે : આ જ દિવસે તેમના ગુરુ શ્રી સિદ્ધચંદ્રવિજયજી મહારાજસાહેબને આચાર્ય પદવીથી નવાજવામાં આવશે

દીક્ષાપંથે જઈ રહેલાં ઘાટકોપરના મલય શેઠ અને ચાર્મીબહેન (ડાબે), દીકરી અને જમાઈની સાથે સંયમ ગ્રહણ કરશે સાસુ અલ્પાબહેન અને સસરા હિતેષ શાહ

સંસાર અસાર છે. સંયમ વિના નહીં ઉદ્ધાર. આવા વિચારો અને મનોમંથન સાથે નવ-નવ વર્ષના દામ્પત્યજીવનમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરીને ૧૪ ડિસેમ્બરે ઘાટકોપર-ઈસ્ટના અરુણ વૈદ્ય મેદાનમાં શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના પરમ પૂજ્ય શ્રી સિદ્ધચંદ્રવિજયજી મહારાજસાહેબના હસ્તે મૂળ વાગડ-જેસડા વતની ઘાટકોપરનિવાસી ૩૫ વર્ષના મલય છોટાલાલ શેઠ અને તેમનાં ૩૩ વર્ષનાં પત્ની ચાર્મીબહેન સંયમમાર્ગ ગ્રહણ કરશે. આ જ દિવસે તેમના ગુરુ શ્રી સિદ્ધચંદ્રવિજયજી મહારાજસાહેબને આચાર્ય પદવીથી નવાજવામાં આવશે. એનાથી પણ વધુ મહત્ત્વનું તો એ છે કે દીકરી અને જમાઈથી પ્રેરાઈને ઘાટકોપર-વેસ્ટના સંઘાણી એસ્ટેટના નિવાસી મૂળ મચ્છુકાંઠાના ૬૨ વર્ષના હિતેષ સેવંતીલાલ શાહ અને તેમનાં ૫૫ વર્ષનાં પત્ની અલ્પાબહેન આ જ દિવસે દીકરી અને જમાઈની સાથે સંયમમાર્ગ ગ્રહણ કરશે.

સાંસારિક જીવનમાં પણ ભૌતિક સુખોથી પર રહીએ

મલય શેઠને નાનપણથી ચારિત્રની ઝંખના‍ હતી, પણ માતા-પિતાની આજ્ઞા વગર સંયમમાર્ગ ગ્રહણ કરવો નથી એવો જીવનનો સંકલ્પ. માતા-પિતાને ખુશ રાખવા લગ્ન તો કર્યાં, પણ પત્ની સાથે સંસારવાસે પણ ધર્મને વેગ આપતા રહ્યા. લગ્નનાં નવ વર્ષમાં બંને યુવાન દંપતી સાથે તપસ્યાઓ, સુકૃતો, સંઘસેવા, પ્રભુભક્તિ, શ્રુત, સુપાત્ર, સાધર્મિક ભક્તિમાં લીન હોવા છતાં મનમાં એક ડંખ કે સંસારમાં બધું જ કરીએ, પણ મુક્તિના લક્ષ્યવાળો ધર્મ તો ન જ થઈ શકે. કંઈ પણ નાનો ધર્મ કરો તો પણ એ પહેલાં, કરતાં-કરતાં અને કર્યા પછી સંસારભાવ તો ઊભો ને ઊભો જ અને આ સંસારભાવે બધું કર્યા પછી છેલ્લે શું? મલય અને ચાર્મીબહેન નવ વર્ષના સાંસારિક જીવનમાં પણ ભૌતિક સુખોથી પર રહીને ભગવાનને સતત એવી પ્રાર્થના કરતાં હતાં કે તેમનાં માતા-પિતા તેમને જલદી સંયમમાર્ગે જવાની આજ્ઞા આપે અને બંને પ્રભુએ બતાવેલા મુક્તિ માર્ગે વહેલામાં વહેલા જઈ શકે.

આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના પૂજ્ય શ્રી સિદ્ધચંદ્રવિજયજી મહારાજસાહેબ

નાનપણમાં પણ સંયમનાં ઉપકરણો સાથે રમતો

મલય શેઠના કલ્યાણમિત્ર ભાર્ગવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલયના દીક્ષાના ભાવ નાનપણથી જ હતા. એમ લાગે કે પૂર્વજન્મના સંયમના સંસ્કાર લઈને જ અવતર્યો છે. નાનપણમાં સમજણ નહોતી, પણ જ્યારે તે ધોતી અને ખેસ પહેરીને પોતે જાણે મહારાજસાહેબ હોય એવી રીતે તેના ઘરમાં રહેલા દર્શનીય પાત્રા, તરપણી લઈને આજુબાજુના પાડોશીઓના ઘરે જઈને ધર્મલાભ કહીને ગોચરી વહોરવાનો અભિનય કરતો-કરતો ચાલ્યો જાય. નાનપણમાં પણ સંયમનાં ઉપકરણો સાથે રમવું તેને બહુ ગમતું હતું. તેના ઘરે તેનાં માતા જયશ્રીબહેનના ધર્મના સંસ્કાર ખૂબ જ દૃઢ હતા. જયશ્રીબહેન ધાર્મિક જ્ઞાન અને તપસ્યામાં બેજોડ. તેમની પ્રેરણાથી મલયને પણ મહાત્માઓનો સંયોગ થયો. જયશ્રીબહેનની સ્પષ્ટ સમજણ કે જીવવિચાર ભણાવ્યા વગર દીકરીને પરણાવવી નહીં અને નવતત્ત્વ ભણાવ્યા વગર દીકરાને ધંધે બેસાડવો નહીં.’

જે માર્ગ પર જવું છે એ માર્ગ પર તે જક્કી રહ્યો

મલય મોટો થતો ગયો એમ મલયે પણ સ્કૂલ-કૉલેજ, બિઝનેસ દરેક મુકામે સંયમનો સતત અને સખત પુરુષાર્થ ચાલુ રાખ્યો હતો એમ જણાવતાં ભાર્ગવ શાહે કહ્યું હતું કે ‘આમ છતાં મલયને તેના ઘરેથી રજા ન મળતાં પિતાની આજ્ઞાને માન આપીને તેણે લગ્ન કર્યાં હતાં, પણ સંસાર માંડ્યા પછીયે મલય નવરોજી લેન સંઘનાં અનુષ્ઠાનો, વર્ધમાન સંસ્કારધામની બાળસંસ્કરણ આદિ અનેક શુભ અને ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યો છે. કેટલાય મુમુક્ષુઓને અત્યંત ભાવપૂર્વક અષ્ટોતરી, કલ્યાણભૂમિઓની સ્પર્શના કરાવવા દ્વારા પોતે જે માર્ગ પર જવું છે એ માર્ગ પર તે જક્કી રહ્યો. તેમની અપ્રતિમ ભક્તિ કરી. એમાંના દીિક્ષત થયેલા કેટલાય મહાત્માઓ મલય માટે કહે છે કે આ પ્રકારની ભક્તિ અમારા માટે ન ભૂતો, ન ભવિષ્યતિ હતી. ચિરસ્મરણીય રહેશે.’

એવા યુવાન સાથે પરણાવજે કે પ્રભુના માર્ગે જઈ શકું

મલયની પત્ની બન્યાં પહેલાં ચાર્મીબહેને પણ સંયમમાર્ગ ગ્રહણ કરવો હતો, પણ તેમનાં માતા-પિતાની આજ્ઞાથી તેમણે મલય સાથે લગ્ન કર્યાં હતાં એમ જણાવતાં ભાર્ગવ શાહે કહ્યું હતું કે ‘ચાર્મીબહેન ડિપ્લોમામાં કૉલેજમાં ટૉપર હતાં. ત્યાર બાદ તેમણે વીજેટીઆઇથી બીટેક કર્યું છે. દસમા ધોરણની પરીક્ષા પછી વેકેશનમાં તેઓ જૈનોના તીર્થધામ શત્રુંજયમાં ૯૯ યાત્રા કર્યા પછી તેમને ધર્મમાં રુચિ પ્રગટી હતી. કલ્યાણમિત્રના સંયોગે તેમને મનુષ્યભવની કિંમત સમજાઈ હતી. તેમણે ૨૧-૨૨ વર્ષની વયે તેમનાં માતા-પિતા પાસે દીક્ષા લેવી છે એવો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ પુરુષાર્થ ઓછો પડ્યો ત્યારે તેમને પરમાત્માને એવી પ્રાર્થના કરી હતી કે ભગવાન માતા-પિતાની આજ્ઞાથી પરણવા તૈયાર થઈ છું, પણ મને એવા યુવાન સાથે પરણાવજે કે હું ભવિષ્યમાં તારા માર્ગે (સંયમમાર્ગે) આવી શકું.

આરાધવા માટેનો આ ઉત્તમ ભવ છે

સંસારમાં રહીને ધર્મ કરી શકીએ, પણ જન્મ-મરણની ભવયાત્રામાંથી મુક્તિ મેળવવા તો સંયમમાર્ગે જ જવું પડે. આ સંદર્ભમાં મલય શેઠ અને ચાર્મીબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શું આ જે કરીએ છીએ એના માટે આપણને મહામૂલો મનુષ્યભવ મળ્યો છે? આ ભવમાં દેહ અને આત્માની ભિન્નતાની આટલી સમજણ મળ્યા પછી પણ આરાધીશું નહીં તો ક્યારે આરાધીશું? ભવિષ્યમાં જે પણ ભવોમાં મુક્તિપંથ પામવાનો બેઝ બનાવવો હશે તો સત્ત્વને તો પામવું જ પડશે તો વાય નૉટ ટુડે? આ વિચારો અને મનોમંથન સાથે જ અમે સતત નવ વર્ષથી પ્રભુને ચારિત્ર આપવા માટે પ્રાર્થના કરતાં હતાં. આવી પ્રાર્થના પ્રભુ સાંભળે, સાંભળે ને સાંભળે જ. પ્રભુ જ્યારે કરે છે એ બેસ્ટ જ કરે છે. અમારા ઉદયમાં ચારિત્ર આવ્યું એમાં ગુરુભગવંતો, માતા-પિતાના અનંત ઉપકાર, મારી બન્ને બહેનો અને મારા બનેવીઓના સાથસહકાર ઉપરાંત પ્રભુપ્રાર્થનાનું સ્ટ્રૉન્ગ પરિબળ. વર્ષો પહેલાં એકલા મલયને કે એકલી ચાર્મીને દીક્ષા મળી ગઈ હોત તો કોઈ એકની દીક્ષા થઈ હોત. અત્યારે ચાર્મીનાં મમ્મી-પપ્પા સહિત અમે ચાર-ચાર જણ વીરના માર્ગે શાસનસમ્રાટના સમુદાયમાં દીક્ષિત થવા જઈ રહ્યાં છીએ એ પ્રભુની કૃપાનો જ સાક્ષાત્કાર છે.’

યોગ કેવી રીતે થયો? 

ભાર્ગવ શાહે કહ્યું હતું કે ‘ગયા વર્ષે મલયનાં મમ્મી-પપ્પાએ ચાતુર્માસ પાલિતાણામાં કર્યા હતા. એ સમયે મલયના પપ્પા છોટુભાઈએ ધર્મશાળાની રૂમમાં રસોડું શરૂ કરીને રોજના ૪૫-૫૦ મહાત્માઓની સુપાત્રભક્તિ અને સાધર્મિક ભક્તિનો લાભ લીધો હતો. ત્યારે તેમણે મહાત્માઓના અદભુત જીવનને નજીકથી જોયાં અને તેમને ગિરિરાજની ભૂમિ પર રિયલાઇઝ થયું કે હું મારા પુત્ર અને પુત્રવધૂને આવા અદ્ભુત માર્ગે જતાં રોકી રહ્યો છું અને જેવા તેઓ ચાતુર્માસ પછી પોતાના ઘરે પહોંચ્યા કે તરત જ મલય અને ચાર્મીને બોલાવીને સંયમમાર્ગે જવાની દીક્ષા લેવાની હા પાડી દીધી હતી. કેવી ઉત્તમતા મલય અને ચાર્મીની કે તેમણે નવ વર્ષના લગ્નજીવનમાં એક પણ વાર તેમનાં માતા-પિતા પાસે દીક્ષા લેવી છે એવી માગણી કરી નહોતી. આ યુવાન દંપતીના મનમાં એમ જ હતું કે મમ્મી-પપ્પાની ઇચ્છા નથી તો તેમને આપણને દીક્ષાની ના પાડીને ચારિત્ર મોહનીયનો અંતરાય થાય તો આપણે એવું નથી કરવું. આપણે ફક્ત પ્રભુને પ્રાર્થના કરતા રહીએ. કેવી ઉદારતા જયશ્રીબહેન અને છોટુભાઈની કે તેમણે આ દંપતીને માગ્યા વગર જ તેમના હૃદયના ભાવ વાંચીને સામેથી દીક્ષાની રજા આપી દીધી. તેમણે મલય અને ચાર્મીને કહ્યું કે આટલાં વર્ષોથી અમે તમારા માર્ગમાં અંતરાય બનીને રહ્યા, હવે તમે ખુશીથી આગળ વધો અને ચારિત્ર ગ્રહણ કરો.’

યોગાનુયોગ દીકરી-જમાઈનાં પંથે માતા-પિતા

મલય અને ચાર્મીબહેનની દીક્ષાનાં મુરત નીકળી ગયાં હતાં અને ચાર્મીબહેનનાં પપ્પા હિતેષભાઈ અને મમ્મી અલ્પાબહેને ગુરુભગવંત પાસે સંયમમાર્ગે જવાની તેમની ઇચ્છા પ્રગટ કરી. આ જાણકારી આપતાં ભાર્ગવ શાહે કહ્યું હતું કે ‘હિતેષભાઈને ૨૦ વર્ષના હતા ત્યારે સંયમ-ચારિત્ર લેવાના ભાવ થયા હતા, પરંતુ પરિવારની જવાબદારી માથે લેવી પડે એવા સંજોગો હતા. આથી તેમણે અલ્પાબહેન સાથે લગ્ન કર્યાં, પણ તેઓ વીરસૈનિક તરીકે શાસનને સમર્પિત હતા. જ્યારે અલ્પાબહેન લગ્નપૂર્વેથી ધર્મથી જોજનો દૂર હતાં, પણ ભદ્રિકપરિણામી અને સમર્પણના ગુણોથી સુશોભિત અને ધર્મની ઓળખ થયા પછી ધર્માનુરાગી બની ગયાં હતાં. પરિવારમાં પણ સૌનું ધ્યાન રાખે. બંને પુત્રીઓને ગુણવાન પરિવારમાં વળાવીને કર્તવ્યોથી પોરો ખાધો ત્યાં કોવિડકાળમાં ઘરે પ્રભુજી પધાર્યા અને તેમનામાં પરમાત્માએ તત્ત્વ શ્રદ્ધા સ્થિર કરી. આ જ કાળમાં હિતેષભાઈનાં વર્ષો પહેલાંનાં વૈરાગ્ય બીજ ફરીથી ફૂટી નીકળ્યાં હતાં. આ સંજોગોમાં દીકરી ચાર્મી અને જમાઈ મલયના સંયમમાર્ગે જવાના ઓરતાએ હિતેષભાઈ અને અલ્પાબહેનમાં સત્ત્વ શ્રદ્ધામાં આલંબનપૂર્વક તેલ પુરાયું અને તેમને જોમ આપ્યું. તેમનાં પુણ્યો ઉદયમાં આવતાં દીકરી-જમાઈની સાથે જ ગુરુકુળવાસ, વિહાર, આઠ-આઠ કલાકના જ્ઞાનોપાર્જનનો પુરુષાર્થ કરતાં-કરતાં ગુરુની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. આપણને ૨૫૦૦ વર્ષ પૂર્વેના જંબુસ્વામીની યાદ અપાવતાં-અપાવતાં હિતેષભાઈ અને મલય પરમ પૂજ્ય શ્રી સિદ્ધચંદ્રવિજયજી મહારાજસાહેબને અને અલ્પાબહેન-ચાર્મીબહેન સાધ્વી પૂજ્ય દિપ્રયશાશ્રીજી મહારાજસાહેબને ૧૪ ડિસેમ્બરના ઘાટકોપર-ઈસ્ટના અરુણ વૈદ્ય મેદાનમાં પોતાનું જીવન સમર્પિત કરશે. આ પ્રસંગમાં સોનામાં સુગંધ મળે એમ પૂજ્ય શ્રી સિદ્ધચંદ્રવિજયજી મહારાજસાહેબ આચાર્યપદવી અર્પણ કરવામાં આવશે.’

jain community ghatkopar mumbai mumbai news rohit parikh