ઘાટકોપર-વર્સોવા મેટ્રોની સર્વિસ ટેક્નિકલ ખામીને કારણે ખોરવાઈ

27 April, 2023 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંજે પાંચ વાગ્યાની આસપાસ એ ખોરવાઈ જતાં ઑફિસથી છૂટેલા લોકોના હાલ બેહાલ થયા હતા

ગઈ કાલે મેટ્રોની સર્વિસ ખોરવાઈ ગયા બાદ મોટી સંખ્યામાં પૅસેન્જરો અટવાઈ ગયા હતા

ગઈ કાલે પીક-અવર્સમાં ઘાટકોપર-વર્સોવા મેટ્રોની સર્વિસ ખોરવાઈ જતાં પ્રવાસીઓના હાલ બેહાલ થયા હતા. નિરાશ થયેલા પ્રવાસીઓએ આ બનાવ બાદ ટ્વીટર પર ફરિયાદોનો મારો કર્યો હતો. જોકે મેટ્રોની ખામીને દૂર કરવાનું કામ પ્રશાસને તાત્કાલિક હાથ ધર્યું હતું.

ટેક્નિકલ ખામીને કારણે ગઈ કાલે ઘાટકોપર-વર્સોવા મેટ્રો સર્વિસ ખોરવાઈ ગઈ હતી. સાંજે પાંચ વાગ્યાની આસપાસ એ ખોરવાઈ જતાં ઑફિસથી છૂટેલા લોકોના હાલ બેહાલ થયા હતા. અસલ્ફા મેટ્રો સ્ટેશન પર ઓવરહેડ વાયરમાં ખરાબી થવાને કારણે મેટ્રોનો ટ્રાફિક ઠપ થઈ ગયો હતો. એને કારણે વિવિધ પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓ ઊમેટલા જોવા મળ્યા હતા. અંતે તેમણે ઘરે પહોંચવા રિક્ષા, બેસ્ટની બસ વગેરેનો ઉપયોગ કર્યો હતો.

મેટ્રો પ્રશાસને સાંજે લગભગ ૫.૩૫ વાગ્યાની આસપાસ ટ્વીટ કરીને ટ્રાફિક બરાબર થયો હોવાનો દાવો કર્યો હતો. જોકે લગભગ એક કલાક સુધી સર્વિસ બંધ રહેતાં મુસાફરોએ હાલાકી ભોગવવી પડી હતી. આ નિષ્ફળતાને કારણે મેટ્રોની કેટલીક સર્વિસ કૅન્સલ પણ કરવી પડી હતી. જોકે મેટ્રોના પ્રવાસીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરવા ટ્વીટ કરીને અનેક મેસેજ કર્યા હતા. મેટ્રોની ટિકિટ ખરીદવામાં આવે ત્યારે તેમણે બસ અને રિક્ષા જેવા વિકલ્પોનો ઉપયોગ કરવો પડે છે, ચેન્જ યૉર નેમ ફ્રૉમ મુંબઈ મેટ્રો ટુ મુંબઈ લેટ હો, પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની ક્લિયરિટી વગર જ ઍરપોર્ટ રોડ સ્ટેશન પર છોડવામાં આવ્યા હતા જેવી અનેક ટ્વીટ પ્રવાસીઓ દ્વારા કરાઈ હતી.

મેટ્રોનાં એક પ્રવાસી મીનાક્ષી સાગઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું વેસ્ટર્ન રેલવેની પ્રવાસી છું, પરંતુ કોઈ કામસર ઘાટકોપર-વર્સોવા મેટ્રોનો ઉપયોગ કરીને ગઈ હતી. જોકે પાછા વળતાં મને વેસ્ટર્ન લાઇનમાં આ‍વતાં નાકે દમ આવી ગયો હતો. કંઈ બાજુએ આવવું અને કયા વાહનવ્યવહારથી પ્રવાસ કરું કંઈ સમજાઈ રહ્યું નહોતું.’

mumbai mumbai news mumbai metro ghatkopar versova