27 November, 2024 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરના આશિષ મહેતાને સુરતમાં પાર્લેના બિસ્કિટના પૅકેટમાં મળેલો મરેલો વાંદો
ટિફિન-સર્વિસનું કામ કરતા ઘાટકોપરના આશિષ મહેતા ગઈ કાલે સુરતમાં તેમના મિત્ર પ્રથમ પટેલની સાથે ચાની એક દુકાનમાં ચા પીવા ગયા હતા. ત્યાં તેમણે ચા સાથે ખાવા માટે પાર્લે કંપનીના ૨૦-૨૦ નાઇસ બિસ્કિટનું પૅકેટ લીધું હતું. પૅકેટ ખોલતાં જ તેમને બિસ્કિટ પર મરેલો વાંદો જોવા મળતાં તે ચોંકી ઊઠ્યા હતા.
આશિષ મહેતાએ આ બનાવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવાર-સવારમાં બિસ્કિટના પૅકેટમાં મરેલો વાંદો જોઈને અમારો ચા પીવાનો મૂડ ખરાબ થઈ ગયો હતો. મેં તરત જ પાર્લે બિસ્કિટ્સ પ્રાઇવેટ લિમિટેડના કસ્ટમર કૅરમાં ફોન કરીને આ બાબતની ફરિયાદ કરી હતી. કસ્ટમર કૅરની મૅડમે ફરિયાદ સાંભળીને મને વિડિયો અને ફોટો સાથે ઈ-મેઇલ કરવા કહ્યું હતું. અમે તરત જ પ્રથમ પટેલના ઈ-મેઇલ આઇડી પરથી ફરિયાદ મોકલી દીધી હતી. એની સામે સાત દિવસમાં અમારી ફરિયાદનો જવાબ આપવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે. જોઈએ સાત દિવસમાં શું જવાબ આપે છે?’