જૈન સંઘમાં બન્યો અદ્ભુત પ્રસંગ : બે ભાઈઓ વચ્ચેના ૧૧ વર્ષના અબોલા તૂટ્યા

07 July, 2023 08:00 AM IST  |  Mumbai | Rohit Parikh

જૈન સંઘમાં પરિવારના મિત્રના પ્રયાસથી ત્યાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજસાહેબની હાજરીમાં અવલાણીભાઈઓ વચ્ચે અબોલાનો અંત આવ્યો અને થયું સમાધાન

જૂનાગઢ સંઘના ઉપાશ્રયમાં રાષ્ટ્રીય સંતના આશીર્વાદમાં ૧૧ વર્ષ પછી હરખભેર ભેટેલા અશ્વિન અવલાણી અને હરેશ અવલાણી.

નાણાકીય વિવાદને કારણે ૧૧ વર્ષથી ઘાટકોપરના ૬૭ વર્ષના જૈન અગ્રણી હરેશ અવલાણી અને જૂનાગઢના જૈન અગ્રણી ૬૨ વર્ષના અશ્વિન અવલાણી વચ્ચે અબોલા ચાલતા હતા. જોકે જૂનાગઢ સંઘના પ્રમુખ અને અવલાણી પરિવાર સાથે ઘરોબો ધરાવતા હિતેશ સંઘવીના પ્રયાસોથી અત્યારે ચાતુર્માસ માટે જૂનાગઢના સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજસાહેબના આશીર્વાદથી આ બન્ને ભાઈઓ વચ્ચેના ખટરાગ દૂર થયા હતા. જેનાથી અવલાણી પરિવારમાં ખુશાલીનું વાતવરણ સર્જાયું હતું. આ પરિવારની આંખો તો હરખથી ભીની થઈ ગઈ હતી, પરંતુ આ પ્રસંગને નિહાળી રહેલા જૂનાગઢના જૈનો પણ ગદગદ થઈ ગયા હતા.

આ બાબતની માહિતી આપતાં હિતેશ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા જૂનાગઢના સંઘ માટે ચાતુર્માસની શરૂઆતમાં જ બે ભાઈઓના પુનઃમિલન અને આત્મીયતાનો નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં આ એક અનુમોદનીય પ્રસંગ હતો. અશ્વિનભાઈ અમારા સંઘના સેક્રેટરી છે અને હરેશભાઈ ઘાટકોપરના હિંગવાલા લેન ઉપાશ્રયમાં ઘણાં વર્ષોથી તેમની સેવા આપી રહ્યા છે. અત્યારે તેઓ કમિટી-મેમ્બર છે અને આયંબિલ શાળાના ઇન્ચાર્જ છે. આ બન્ને ભાઈઓ વચ્ચે વર્ષો પહેલાં નાણાકીય વ્યવહારને કારણે વિવાદ થયો હતો. દસ વર્ષ પહેલાં મેં બન્ને ભાઈઓ વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું, પરંતુ કમનસીબે બન્ને ભાઈઓ વચ્ચેનો વિવાદ શમ્યો નહોતો. બન્ને જણે અબોલા લીધા હતા, જેને કારણે તેમનાં બીમાર માતુશ્રીને પણ દુઃખ થતું હતું. જોકે તેઓ એ અવસ્થામાં નહોતાં કે બન્ને ભાઈઓને સાથે બેસાડીને બોલકા કરી દે.’

મારા તરફથી ગયા પર્યુષણ દરમ્યાન હરેશભાઈએ અઠ્ઠાઈ (જૈનોના આઠ ઉપવાસ) કરી ત્યારે જ પહેલ કરવામાં આવી હતી, એમ જણાવતાં અશ્વિન અવલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમના પારણાં પ્રસંગે હું હાજર રહી શક્યો નહોતો, પરંતુ મેં મારાં ભાભીને કહ્યું હતું કે મારા વતી ભાઈને સવારે પારણું કરાવજો. અમારા જૈનોના સૌથી મોટા પર્યુષણના છેલ્લા સંવત્સરીના દિવસે રાતે ભાઈને ફોન કરીને તેની શાતા પૂછીને તેને મેં મિચ્છા મિ દુક્કડં પણ કર્યા હતા. જોકે જાહેરમાં અમારા વચ્ચે ગુરુદેવના આશીર્વાદથી પહેલી વાર સમાધાન થયું અને અમે બન્ને ભાઈઓ ગળગળા થઈને ભેટી પડ્યા હતા.’

અમારા બન્ને વચ્ચે અબોલા છોડવાની અને અમારા બન્ને વચ્ચે સ્નેહમિલન કરાવવાનો સંપૂર્ણ શ્રેય મારા મિત્ર હિતેશ સંઘવીને જાય છે. આ સંદર્ભમાં હરેશ અવલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિતેશ અને હું નાનપણના મિત્રો છીએ. અમે કૉલેજ પણ સાથે કરી છે. હિતેશ મારા પરિવારનો જ સભ્ય છે. અમે બન્ને ભાઈઓ બોલતા ન હોવાથી મારી મમ્મીને કોઈ પણ બીમારી આવે તો હું હંમેશાં હિતેશને મમ્મીનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપતો હતો અને તે હંમેશાં મમ્મી જૂનાગઢના સંઘની માતા છે એમ કહીને મમ્મીનું સંપૂર્ણ ધ્યાન રાખતો હતો. માર્ચ મહિનામાં તેને ફરીથી એક વાર અમારા બે ભાઈઓ વચ્ચે અબોલા તૂટે એ માટેનો પાયો નાખ્યો હતો. ત્યારે હું જૂનાગઢ ગયો હતો. પરમ પૂજ્ય ગુરુદેવ જગદીશ મુનિના શિષ્ય પૂજ્ય પારસમુનિ મહારાજસાહેબે મને મારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્ર કાર્તિક અવલાણીની સ્મૃતિમાં જૂનાગઢ ઉપાશ્રયના રિનોવેશનમાં યોગદાન આપવાનું જણાવ્યું હતું. મેં તરત જ તેમનો આદેશ શિરોમાન્ય છે કહીને લાભ લીધો હતો. એની સાથે મુંબઈના જૂનાગઢ વણિક મિત્ર મંડળ તરફથી પણ મેં ડોનેશન જાહેર કર્યુ હતું. આ બન્ને ડોનેશન માટે જૂનાગઢ સંઘ મારું બહુમાન કરવા ઇચ્છતો હતો ત્યારે મેં હિતેશને કહ્યું હતું કે ‘અવલાણી પરિવાર તરફથી તમે મારા નાનાભાઈ અશ્વિન અવલાણીનું બહુમાન કરો અને જૂનાગઢ મિત્ર મંડળ તરફથી મારું બહુમાન કરજો.’

ગુરુવાર ૨૯ જૂનના રોજ અમારા સંઘમાં ઉપાશ્રયમાં અવલાણી પરિવારની મૂકવામાં આવેલી તકતીનું અનાવરણ અને બન્ને ભાઈઓના બહુમાનનો પ્રસંગ હતો એમ જણાવતાં હિતેશ સંઘવીએ કહ્યું હતું કે ‘મને આ પ્રસંગે વિચાર આવ્યો કે આ બન્ને ભાઈઓને સાથે લાવવા સાથે તેમના અબોલા તોડવા માટે કોઈ સારો અવસર નહીં મળે. આથી મેં રાષ્ટ્રીય સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબને આ બાબતનો ઇશારો આપ્યો હતો. ગુરુ મહારાજે પણ તેમના વાક્ચાતુર્યનો ઉપયોગ કરીને પ્રસંગે સોનામાં સુગંધ ભળે એવો બનાવી દીધો અને સંઘની વચ્ચે જ બન્ને ભાઈઓના ૧૧ વર્ષ જૂના અબોલાનો એ દિવસે અંત આવ્યો હતો. ગુરુદેવે બન્ને ભાઈઓને મેમેન્ટો આપીને બન્ને ભાઈઓનું બહુમાન કર્યું હતું. બન્ને ભાઈઓની સાથે અમારા સકળ સંઘની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. બન્ને ભાઈઓએ સંઘની સામે જાહેર કર્યું કે તેઓ એકબીજાને પહેલાં કરતા પણ વધુ પ્રેમ અને લાગણી આપશે તેમ જ એકબીજાને સન્માન પણ આપશે. ત્યાર પછી બન્ને ભાઈઓ સાથે જમ્યા હતા, હરેશ મુંબઈની ટ્રેન પકડવા ગયો ત્યારે અશ્વિન તેની સાથે જમવાનું ટિફિન લઈને જૂનાગઢ સ્ટેશને તેને મૂકવા ગયો હતો. ઉપાશ્રયની જેમ બન્ને ભાઈઓ સ્ટેશન પર પણ રડતાં-રડતાં ભેટી પડ્યા હતા. બે ભાઈઓના મિલન જેટલો ઉત્કૃષ્ટ પ્રસંગ કોઈ જ ન હોઈ શકે.’

jain community ghatkopar mumbai mumbai news rohit parikh