20 January, 2025 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેહરુનગરમાંથી ગુમ થયેલા પ્રવીણ ગડા.
ઘાટકોપર-વેસ્ટમાં ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતા અને કુર્લાના નેહરુનગરમાં સુપરમાર્કેટ ધરાવતા ૪૫ વર્ષના પ્રવીણ કેશવજી ગડા બુધવારે રાતે દુકાનમાંથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ તેમના પરિવારજનોએ નેહરુનગર પોલીસ-સ્ટેશને ગુરુવારે સાંજે નોંધાવી હતી.
આ મામલે પ્રાથમિક તપાસ કરતાં પ્રવીણભાઈ પોતાની મરજીથી ગયા હોવાનું કહેવાય છે. તેમણે બુધવારે રાતે દુકાનમાંથી નીકળતાં પહેલાં પોતાનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દુકાનમાં જ રાખ્યો હતો. ચાર દિવસની તપાસમાં પ્રવીણભાઈ વિશે કોઈ ચોક્કસ માહિતી ન મળતાં પોલીસે હવે ટેક્નિકલ ટીમ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
હસમુખો માણસ, ટેન્શન-ફ્રી જીવવાનો સ્વભાવ અને જિંદગીમાં મસ્ત રહેનાર પ્રવીણ વિશે ખૂબ ચિંતા થઈ રહી છે એમ જણાવતાં તેમના સાળા વિપુલ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રવીણ રોજ સવારે ૯ વાગ્યે પોતાની સુપરમાર્કેટમાં જઈને બપોરે ઘરે જમવા આવે અને પાછો ચાર વાગ્યે દુકાને જવાનો તેનો રોજિંદો ક્રમ હતો. બુધવારે પણ બધું એમ જ ચાલ્યું હતું. તેને સાંજે ૭ વાગ્યે ઘાટકોપરમાં કોઈ કામ હશે એટલે તે ઘરે આવ્યો હતો. એ સમયે તેણે નાસ્તો કરીને કૉફી પીધી હતી અને પાછો સુપરમાર્કેટ જાઉં છું કહીને ઘરેથી નીકળ્યો હતો. એ પછી રાતે ૧૦ વાગ્યા સુધી તે ઘરે પાછો ન આવતાં તેને ફોન કર્યો હતો પણ ત્યારે તેનો ફોન સતત સ્વિચ્ડ-ઑફ આવતો હતો એટલે અમે બધા સુપરમાર્કેટ ગયા હતા, પણ એ બંધ હતું. એ પછી દુકાનના સ્ટાફની પૂછપરછ કરી હતી એટલું જ નહીં અમે ઘાટકોપર, કુર્લા અને આસપાસના વિસ્તારોમાં પણ તેને શોધવાની કોશિશ કરી હતી. અમારાં સંગાસંબંધીઓને પણ પૂછપરછ કરી હતી, પણ પ્રવીણ વિશે કોઈ માહિતી ન મળતાં અમે તે ગુમ થયો હોવાની ફરિયાદ ગુરુવારે નેહરુનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. અમે પ્રવીણને વિનંતી કરીએ છીએ કે જો તું કોઈ ચિંતામાં ઘર છોડીને ગયો હોય તો પાછો આવી જા. બધી વાતનો રસ્તો નીકળી જશે. એક વાર અમારી સામે આવીને જે હોય એ કહી દે. અમે તારી સાથે છીએ.’
આ મામલે અમારી ટેક્નિકલ ટીમ હવે વધુ તપાસ માટે લાગી ગઈ છે એમ જણાવતાં નેહરુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અંકુશ ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુમ થનાર વ્યક્તિના કૉલ-ડેટા સહિત તેની બીજી માહિતી જાણવા માટે અમારી ટીમ કામે લાગી ગઈ છે. એ ઉપરાંત તેની દુકાનમાં કામ કરતા માણસો અને તેનાં સગાંસંબંધીઓની પૂછપરછ કરી રહ્યા છીએ. તે દુકાનમાંથી નીકળીને ક્યાં ગયો એ જોવા નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસી રહ્યા છીએ.’