પૅરિસથી પતિનો મૃતદેહ લાવવાની ઘાટકોપરની મહિલાની કરુણ કહાની

28 May, 2024 09:00 AM IST  |  Mumbai | Rohit Parikh

મારી નજર સામે મારા પતિને દેહ છોડતા જોઈને જેટલી વેદના નહોતી થઈ એટલી વેદના પૅરિસથી તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં થઈ

APMC દાણાબજારના ૬૬ વર્ષના વેપારી યોગેશ ઠાકર અને તેમનાં પત્ની નીલાબહેન

મારી સાથે અને મારા પરિવાર સાથે જે બન્યું એ આ દેશની કોઈ નારી કે પરિવાર સાથે ન બને. આ માટે કેન્દ્ર સરકારે નિયમો બદલવાની જરૂર હોય તો બદલી નાખે. મારા અને મારા પરિવાર માટે ૨૫ મે બ્લૅક-ડે હતો. પૅરિસની ઇન્ડિયન એમ્બેસીએ ક્લિયર કરીને મોકલેલા ડૉક્યુમેન્ટ્સમાં મુંબઈની ઍરપોર્ટ ઑથોરિટીએ અને કસ્ટમ્સના અધિકારીઓએ એટલી બધી ક્ષતિઓ કાઢી કે મારા પતિનો પાર્થિવ દેહ જે અમને ૨૪ મેએ રાતના અંતિમ સંસ્કાર માટે મળવો જોઈતો હતો એ છેક ગઈ કાલે સવારે મળ્યો હતો. અમે ગઈ કાલે સવારે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. 
આ આક્રોશભર્યા શબ્દો ઘાટકોપરમાં રહેતાં ૬૦ વર્ષનાં નીલા ઠાકરના છે.

નવી મુંબઈના વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના દાણાબજારના ૬૬ વર્ષના વેપારી યોગેશ ઠાકર અને તેમનાં પત્ની નીલાબહેન જાન્યુઆરીમાં તેમના કૅનેડામાં રહેતા પુત્રને મળવા ગયાં હતાં. ત્યાં ઠંડી શરૂ થતાં તેઓ ૬ મેએ કૅનેડાથી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે પૅરિસ ઍરપોર્ટ પર યોગેશભાઈને શ્વાસની તકલીફ શરૂ થઈ હતી. ત્યાંની ઍરપોર્ટ ઑથોરિટીએ અને ડૉક્ટરોએ યોગેશભાઈને સારવાર આપવાની શરૂઆત કરી હતી, પરંતુ ધીરે-ધીરે તેમનાં ઑર્ગન્સ એક પછી એક ફેલ થવા લાગ્યાં હતાં અને યોગેશભાઈએ પૅરિસ ઍરપોર્ટ પર જ દેહ છોડી દીધો હતો. તેમના મૃતદેહને પૅરિસના મૉર્ગમાં મૂકીને નીલાબહેન મુંબઈ પાછાં આવી ગયાં હતાં. અહીં આવીને તેમણે યોગેશભાઈના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મુંબઈ લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

જેટલી પીડા અને વેદના મને મારી નજર સામે મારા પતિએ દેહ છોડ્યો ત્યારે થઈ નહોતી એટલો માનસિક ત્રાસ અને વેદના મને મારા પતિના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મુંબઈ લાવવાની પ્રક્રિયા દરમ્યાન થઈ હતી એમ જણાવતાં ધ્રુસકે-ધ્રુસકે રડતાં અને સરકારની પ્રોસેસ સામે રોષ વ્યક્ત કરતાં નીલા બહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૅરિસ ઍરપોર્ટ પર યોગેશની ડેથ થયા પછી થોડા જ કલાકોમાં એક પાકિસ્તાની વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ વ્યક્તિની ડેડ-બૉડી ચાર જ દિવસમાં મર્યાદિત ડૉક્યુમેન્ટ્સથી જ પાકિસ્તાન અંતિમ સંસ્કાર માટે જતી રહી હતી. એની સામે અમારે ઇન્ડિયન એમ્બેસીને આધાર કાર્ડ, પૅન કાર્ડ, રૅશનિંગ કાર્ડ જેવા પંદર ડૉક્યુમેન્ટ્સ મોકલવા પડ્યા હતા. એને ક્લિયર થતાં ૨૦ દિવસથી વધુ સમય લાગ્યો હતો. અમે પાર્થિવ દેહ પાછો મેળવવામાં જે ત્રાસ ભોગવ્યો હતો એવો ત્રાસ ઈશ્વર કોઈને ન આપે.’

ઇન્ડિયન એમ્બેસીએ અપ્રૂવલ આપ્યા પછીની દર્દનાક દાસ્તાન જણાવીને નીલાબહેને કહ્યું હતું કે ‘મારા પતિના મૃત્યુ પછી અમારામાં તેમનું બારમું-તેરમું કરવાનું હોય છે, પણ મારા કમનસીબે હું આમાંથી કંઈ કરી શકી નથી. ઇન્ડિયન એમ્બેસીએ ક્લિયરન્સ આપ્યા પછી મુંબઈના કસ્ટમ્સ વિભાગે ડેથ-સર્ટિફિકેટ આવ્યું નથી વગેરે જેવાં બહાનાં હેઠળ બે દિવસ કાઢી નાખ્યા હતા. ત્યાંની સરકાર જે ડૉક્યુમેન્ટ્સ મોકલે છે એ ફ્રેન્ચ અને સાથે ઇંગ્લિશમાં પણ મોકલે છે. ત્યાં ડેથ-સર્ટિફિકેટ પર મેડિકલ સર્ટિફિકેટ લખાઈને આવે છે, પણ આ વાતને સ્વીકારવા મુંબઈ ઑથોરિટી તૈયાર નહોતી. એને કારણે યોગેશનો પાર્થિવ દેહ કલાકો સુધી પેરિસ ઍરપોર્ટ પર આવીને મૉર્ગમાં પાછો ગયો હતો જે ડેથ થઈ ગયેલી વ્યક્તિના પરિવાર માટે અત્યંત પીડાજનક વાત હતી. અમે હેલ્પલેસ હતા. અમે અમારી પીડાની જાણકારી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી ઈમેઈલ દ્વારા મોકલી છે.’

ઇન્ડિયન એમ્બેસીએ અપ્રૂવલ આપ્યા પછી અમને પૅરિસથી ૨૪ મેએ સવારે ૧૧ વાગ્યે ડેડ-બૉડી આવી રહી છે એવી ઈમેઇલ પણ આવી ગઈ હતી એમ જણાવીને નીલાબહેને કહ્યું હતું કે ‘જોકે અહીંની ઑથોરિટી ઇન્ડિયન એમ્બેસીની પ્રક્રિયાને સ્વીકારવા તૈયાર નહોતી. અમે જે કાર્ગો એજન્સીને આ જવાબદારી સોંપી હતી એને પણ આંચકો લાગ્યો હતો. રવિવાર હોવા છતાં ઇન્ડિયન એમ્બેસીના અ​ધિકારીએ અમને સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો હતો, પણ અહીંની ઑથોરિટી પર અમે ૨૫ મેએ સતત કાકલૂદી કરવા છતાં કોઈ જ અસર થઈ નહોતી. જાણે માનવતા મરી જ પરવારી હતી. આખરે ​લિટરલી તેમની સાથે ઝઘડો કર્યા પછી અમને મારા પતિનો પાર્થિવ દેહ પૅરિસથી ભારત કાર્ગોમાં લાવવાની પરવાનગી મળી હતી જે અત્યંત પીડાદાયક અને દુખદાયક ઘટના હતી.’  

ghatkopar apmc market navi mumbai canada paris mumbai airport chhatrapati shivaji international airport mumbai mumbai news indian government rohit parikh