17 January, 2023 09:18 AM IST | Mumbai | Mehul Jethva
ફાઇલ તસવીર
ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે પરખ હૉસ્પિટલની બાજુમાં આવેલા માધવકુંજ બિલ્ડિંગના ઇલેક્ટ્રિક મીટર બૉક્સમાં આગ ફાટી નીકળી હતી. આ આગ થોડી જ વારમાં પાંચમા માળ સુધી પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને પાંચથી છ લોકો ગંભીર રીતે જખમી થયા હતા. આ ઘટનાના આશરે ૨૮ દિવસ પછી પંતનગર પોલીસે ફાયર બ્રિગેડ પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર સોસાયટીના કમિટી મેમ્બરો અને ક્લાસિસના સંચાલકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પર આવેલા માધવકુંજ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના ઇલેક્ટ્રિક મીટર રૂમમાં ૧૭ ડિસેમ્બરે બપોરે બે વાગ્યે આગ લાગી હતી. ધીરે-ધીરે આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બાજુમાં આવેલી પરખ હૉસ્પિટલના દરદીઓ ધુમાડાના સંપર્કમાં ન આવે એ માટે તેમને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં માનખુર્દ અને વિક્રોલી ફાયર બ્રિગેડની કેટલીક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અંતે બે કલાક બાદ ફાયર-અધિકારીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ગૂંગળામણને કારણે ડોમ્બિવલીમાં રહેતા કોરશી દેવચંદ દેઢિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. એ આગમાં ગંભીર રીતે જખમી થયેલાં અંજલિ બિવલકર અને ઇદીશ વિજય સાહેતિયાનું પણ મૃત્યુ થયું હતું. પોલીસે એ સમયે એડીઆર નોંધીને તપાસ હાથ ધરી હતી. અંતે ફાયર બ્રિગેડનો રિપોર્ટ આવતાં સોસાયટીના કમિટી મેમ્બર અને ક્લાસિસના સંચાલક સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પંતનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રવિદત્ત સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાસ્થળે લાગેલી આગ ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચમા માળ સુધી પ્રસરી હતી. આગ લાગવાના મુખ્ય કારણનો અહેવાલ ફાયર-ડિપાર્ટમેન્ટ પાસેથી અમને પ્રાપ્ત થયો છે, જેમાં માધવ અપાર્ટમેન્ટ, ગણેશ સોસાયટીની કારોબારી સમિતિના પદાધિકારીઓએ વીજળીના મીટરની કૅબિનની જાળવણી બેદરકારીપૂર્વક કરી હોવાથી શૉર્ટ સર્કિટ થતાં કૅબિનમાં આગ ફાટી નીકળી હતી તેમ જ કારોબારી મંડળના પદાધિકારીઓએ બિલ્ડિંગમાં લટકતા વાયરિંગને સુરક્ષિત રીતે ઢાંક્યા વગર ખુલ્લા મૂકી દેતાં મીટર બૉક્સમાં આગ લાગી અને વાયરો દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચમા માળ સુધી ફેલાઈ હતી. એ જ રીતે કાર્લા-શુક્લા ક્લાસિસના સંચાલકો એ હકીકતથી વાકેફ હતા કે વિદ્યાર્થીઓ તેમના ક્લાસમાં શિક્ષણ માટે આવે છે, પરંતુ તેમણે સલામતીના દૃષ્ટિકોણથી તેમને આગથી બચાવવા માટે કોઈ પગલાં લીધાં નહોતાં. એમાં કાર્લા-શુક્લા ક્લાસિસના સંચાલકની બેદરકારી સામે આવતાં તેમની સામે પણ ૩૦૪એ, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૪ આઇપીસી અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે.’
માનખુર્દ ફાયર બ્રિગેડના ફાયર સ્ટેશન ઑફિસર યોગેશ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના પછી આગ લાગવાનું મુખ્ય કારણ શોધવા માટે અમારી ટીમ ઘટનાસ્થળ પર ગઈ ત્યારે મોટા ભાગનો હિસ્સો બળી ગયો હોવાનું સમજાયું હતું. એ પછી બારીકાઈથી ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ અમે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો જે પંતનગર પોલીસને સોંપ્યો હતો.’
આગ બાબતે પૂછતાં તેમણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.