17 December, 2022 11:58 AM IST | Mumbai | Rohit Parikh
ગઈ કાલે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા રહેવાસીઓએ પાણીની બાલદી લઈને કાઢેલો મોરચો
ઘાટકોપર-વેસ્ટની ખોત લેનમાં છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા હોવાથી રહેવાસીઓએ તેમનાં સગાંસંબંધીને ત્યાં નાહવા અને પીવાનું પાણી લેવા જવું પડે છે. આ બાબતની ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા ‘એન’ વૉર્ડના વૉટર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગઈ હતી. એને પરિણામે ગઈ કાલે આ વિસ્તારના રહેવાસીઓએ અમને પાણી આપો, નહીંતર મહાનગરપાલિકાની ઑફિસમાં સ્નાન કરવાની વ્યવસ્થા કરી આપો એવી ગજબની માગણી સાથે ‘એન’ વૉર્ડ પર પાણીની બાલદી સાથે મોરચો કાઢ્યો હતો.
આ પહેલાં ગયા અઠવાડિયે ઑગસ્ટ મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલી ઘાટકોપર-વેસ્ટમાં આવેલા ગાંધીનગરની મહિલાઓ વૉટર ડિપાર્ટમેન્ટ પર મોરચો લઈ ગઈ હતી ત્યારે તેમને સંબંધિત અધિકારીઓએ ૭૦ વર્ષ જૂનાં મકાનોમાં નીચે અને મકાનની ટેરેસ પર પાણીની ટાંકી બેસાડવાની હાસ્યાસ્પદ સલાહ આપી હતી. આ અધિકારીએ આ મહિલાઓને કહ્યું હતું કે તમારે પાણી જોઈતું હોય તો અમારી સલાહ માનવી જ પડશે.
આ બાબતની માહિતી આપતાં આ વિસ્તારના રહેવાસી પરાગ રાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાણીની સમસ્યા જ્યારથી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને ખોત લેનના રસ્તાનું કૉન્ક્રીટીકરણ થયું છે ત્યારથી એટલે કે છેલ્લા છ મહિનાથી શરૂ થઈ છે. ખોત લેનની આસપાસના દોશીવાડી, ગાંધીનગર જેવા અનેક વિસ્તારોમાં પીવાનું પાણી રહેવાસીઓને મળતું નથી. આ બાબતમાં અનેક વાર રહેવાસીઓએ ‘એન’ વૉર્ડમાં ફરિયાદ કરી છે અને રોડ પર પણ ઊતર્યા છે, પરંતુ મહાનગરપાલિકાના વૉટર ડિપાર્ટમેન્ટનો એક જ ઘૂંટેલો જવાબ હતો કે સિમેન્ટ-કૉન્ક્રીટના રોડ ૧૦ વર્ષની ગૅરન્ટીમાં આવતા હોવાથી એનું ખોદકામ કરવા માટે અનેક ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લેવી પડે છે, જેમાં સમય લાગી જાય છે. આમ કહીને તેઓ સમય પસાર કરતા હતા, જેને કારણે રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો.’
પાણીની સમસ્યાને કારણે રહેવાસીઓએ તેમનાં સગાંસંબંધીના ઘરે નાહવા જવું પડે છે એમ જણાવીને પરાગ રાજે કહ્યું હતું કે ‘એક-બે દિવસની સમસ્યા હોય તો કોઈના ઘરે જતા રહીએ તો ચાલે, પણ છ મહિના જૂની સમસ્યાનો નિકાલ જ ન આવે અને નિકાલ ક્યારે આવશે એની કોઈ ખાતરી જ ન હોય તો જીવવું અસહ્ય બની જાય છે. આવી જ હાલત અમારી છે. આથી ગઈ કાલે અમે રહેવાસીઓએ ‘એન’ વૉર્ડ પર ‘અમને પાણી આપો, નહીંતર મહાનગરપાલિકાની ઑફિસમાં સ્નાન કરવાની વ્યવસ્થા કરી આપો’ એવી ગજબની માગણી સાથે પાણીની બાલદી સાથે મોરચો કાઢ્યો હતો.’
પરાગ રાજે વધુમાં કહ્યું હતું કે ‘પહેલાં તો ‘એન’ વૉર્ડના સિક્યૉરિટી ગાર્ડ્સ અમને અધિકારીઓ સાથે મળવા જ નહોતા દેતા. લાંબા વાદવિવાદ પછી ‘એન’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંજય સોનાવણે તેમ જ રોડ વિભાગ અને પાણી વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયર અમને મળવા આવ્યા હતા અને વહેલી તકે અમારી પાણીની સમસ્યાનો નિકાલ લાવશે એવું આશ્વાસન આપ્યું હતું. થોડી જ વારમાં આ અધિકારીઓએ ખોત લેન અને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગની મુલાકાત પણ લીધી હતી.’