17 May, 2024 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદયપુરમાં પકડાયેલો ભાવેશ ભિંડે (ડાબેથી બીજો)
આખા મુંબઈને હચમચાવી નાખનાર ઘાટકોપર હોર્ડિંગ-દુર્ઘટનાના મુખ્ય આરોપી ભાવેશ ભિંડેને ઉદયપુરથી પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને ગઈ કાલે સફળતા મળી હતી. ભાવેશ ભિંડે સોમવારે અકસ્માત પછી ઘર બંધ કરીને પલાયન થઈ ગયો હતો. ત્યાર બાદ તેની શોધ માટે મુંબઈ પોલીસે અલગ-અલગ ૧૦ ટીમ બનાવી હતી. ભાવેશ વારંવાર લોકેશન બદલતો હોવાથી પોલીસ તેના સુધી પહોંચી શકી નહોતી. જોકે ગઈ કાલે વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમને ભાવેશ વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત થતાં ટીમે ઉદયપુર જઈને તેને પકડી પાડ્યો હતો.
ભાવેશની કંપની ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડે ઘાટકોપરના છેડાનગર નજીક પેટ્રોલ પમ્પ પાસે ૧૨૦×૧૨૦ ફીટનું વિશાળ હોર્ડિંગ ગેરકાયદે ઊભું કર્યું હતું. સોમવારે મુંબઈમાં આવેલા ડસ્ટ સ્ટૉર્મમાં આ હોર્ડિંગ બાજુના પેટ્રોલ પમ્પ પર પડ્યું હતું. વિશાળ હોર્ડિંગ એકાએક પડતાં પેટ્રોલ પમ્પ પર ઊભેલા લોકો અને ગાડીઓ એની નીચે દટાઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં ૧૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
પોતાની સામે ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં ભાવેશે કેટલીક વાર પોતાનું લોકેશન બદલ્યું હતું એમ જણાવતાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ સાતના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ તાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં સોમવારે સાંજે છ વાગ્યે ઘરે આવી પોતાનાં કપડાં લઈને પલાયન થવાના ઇરાદે ભાવેશ પહેલાં લોનાવલા પહોંચ્યો હતો. તેને ટ્રેસ કરીને અમારી ટીમ લોનાવલા પહોંચી ત્યારે અમારા પહોંચવાના બે કલાક પહેલાં તે ત્યાંથી નાસી ગયો હતો. ત્યાર બાદ ત્યાંથી તે અમદાવાદ પહોંચ્યો હતો અને પછી બાય રોડ રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી પોતાના ભાઈના નામે રૂમ બુક કરીને રહ્યો હતો. તેને આજના દિવસમાં મુંબઈ લાવવામાં આવશે.’