Ghatkopar Hoarding Collapse: મુખ્ય આરોપી ભાવેશ ભીંડેને કોર્ટે જામીન આપ્યા

20 October, 2024 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ghatkopar Hoarding Collapse: મે મહિનામાં ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં ૧૭ લોકોનો જીવ ગયો હતો અને ૮૪ લોકો ઘાયલ થયા હતા

ભાવેશ ભીંડેની ફાઇલ તસવીર

આ વર્ષે મે મહિનામાં મુંબઈ (Mumbai)ના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડવાના કેસ (Ghatkopar Hoarding Collapse)માં મુખ્ય આરોપી ભાવેશ ભીંડે (Bhavesh Bhinde)ને મુંબઈની એક કોર્ટે જામીન આપ્યા છે. ભાવેશ ભીંડે એક એડવર્ટાઈઝિંગ ફર્મના ડાયરેક્ટર હતા. આ ઘટના મે મહિનામાં બની હતી, જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. એડિશનલ સેશન્સ જજ વીએમ પઠાડેએ શનિવારે ભીંડેની જામીન અરજી મંજૂર કરી હતી.

ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાના કેસના આરોપી ભાવેશ ભીંડેએ તેના વકીલ સના ખાન દ્વારા દલીલ કરી હતી કે, આ ઘટના ભગવાનનું કૃત્ય છે. તેણે કહ્યું કે રાજકીય બદલો લેવા માટે તેને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. એડવોકેટ સના ખાને જણાવ્યું હતું કે, ઘાટકોપર વિસ્તારમાં પવનની ઝડપને કારણે હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ માટે હોર્ડિંગ લગાવનાર ફર્મને દોષી ઠેરવી શકાય નહીં. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે જ્યારે હોર્ડિંગ લગાવવામાં આવ્યું ત્યારે ભીંડે ફર્મના ડિરેક્ટર ન હતા.

તમને જણાવી દઈએ કે, ભાવેશ ભીંડે વિરુદ્ધ હત્યા નહીં પણ દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે ભીંડેના જામીનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભીંડે આ કેસમાં સક્રિય રીતે સામેલ હતો તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે.

શું છે ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના?

આ વર્ષે ૧૩ મેના રોજ આવેલા અચાનક વરસાદ અને તોફાનને કારણે ઘાટકોપર છેડા નગરના પેટ્રોલ પંપ પર લગાડવામાં આવેલું ૧૨૦ x ૧૨૦ ફૂટનું હોર્ડિંગ પડી ગયું હતું. આ અકસ્માતમાં ૧૭ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ૮૪ લોકો ઘાયલ થયા છે. આ હોર્ડિંગ જીઆરપીની જમીન પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યું હતું. જોકે, આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું હતું.

આ દુર્ઘટના બાદ કેસની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના પણ કરવામાં આવી હતી.

કોણ છે ભાવેશ ભીંડે?

ભાવેશ ભીંડે મુંબઈના ઘાટકોપરથી થોડે દૂર મુલુંડ (Mulund)માં રહે છે. તેમની કંપની ઇગો મીડિયા પણ અહીં મુલુંડમાં આવેલી છે. ભાવેશ ભીંડેએ ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણી પણ અપક્ષ તરીકે લડી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુલુંડમાં જાન્યુઆરી ૨૦૨૪માં ભીંડે વિરુદ્ધ બળાત્કારનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ભીંડે વિરુદ્ધ અન્ય ૨૩ કેસમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસો નાગરિક સંસ્થા સાથે સંબંધિત છે અને તેમાંના કેટલાકમાં ચેક બાઉન્સના કેસો પણ સામેલ છે. ૧૩ મેના રોજ ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાની દુર્ઘટના બાદ આ મહાકાય અને જીવલેણ હોર્ડિંગ લગાવનાર એડવર્ટાઈઝિંગ ફર્મના ડાયરેક્ટર ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ghatkopar mumbai mumbai news mumbai police maharashtra news