12 April, 2024 07:23 AM IST | Mumbai | Rohit Parikh, Mehul Jethva
અહમદનગરમાં આવેલા હરિશ્ચંદ્ર પર્વતના કોંકણકડા વિસ્તારમાં સોમવારે સવારે ગુજરાતી યુવતીના મૃતદેહને શોધવા ચાલી રહેલું રેસ્ક્યુ ઑપરેશન.
મમ્મી અને પપ્પા, મને માફ કરશો. કોઈ મને મદદ કરી શક્યું નથી. મને આ વાત શબ્દોમાં કહેવી મુશ્કેલ લાગે છે. હું તમને ઘણું કહેવા માગું છું, પણ કહી શકતી નથી. હું તમારી સારી દીકરી બની શકી નહીં. મારા જીવનમાં મેં ઘણી ભૂલો કરી છે. હું મારા જીવનથી કંટાળી ગઈ છું. હું પ્રાર્થના કરું છું કે આવો સમય કોઈનો પણ ન આવે અને કોઈ આવું પગલું ન ભરે. તમે બાર જ્યોતિર્લિંગની જાત્રા કરી આવશો.
આવી બે પાનાંની લાગણીસભર સુસાઇડ-નોટ અંગ્રેજીમાં લખીને ઘાટકોપરની બાવીસ વર્ષની ગુજરાતી યુવતીએ રવિવારે સવારે અંદાજે ૧૧ વાગ્યાની આસપાસ અહમદનગરની નજીક આવેલા હરિશ્ચંદ્ર પર્વત પર કોંકણકડા પહોંચી હતી. ત્યાર પછી ગાઇડ તેને સાઇટસીઇંગ કરાવી રહ્યો હતો ત્યારે ત્યાંના ગાઇડની હાજરીમાં જ બપોરે બેથી અઢી વાગ્યાની વચ્ચે કોંકણકડાની ૧૪૦૦ ફુટ ઊંડી ખીણમાં કૂદકો મારીને યુવતીએ આત્મહત્યા કરી હતી.
શનિવારે રાતના યુવતીએ મમ્મીએ તેને ફોન કરીને ક્યાં છે એમ પૂછ્યું ત્યારે યુવતીએ કહ્યું હતું કે હું મારી બહેનપણીના ઘરે રોકાઈ જાઉં છું અને સવારે ૧૦ વાગ્યા સુધીમાં આવીશ. જોકે દીકરી સવાર સુધી ન આવતાં તેની મમ્મીએ અને તેના પરિવારે તેના મોબાઇલ પર ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન આઉટ ઑફ કવરેજ એરિયા આવતો હતો.
યુવતી અહીં બસમાં આવી આવી હતી અને ત્યાં તેણે ગાઇડને શોધીને ફરવાની ઇચ્છા વ્યકત કરી હતી એમ જણાવીને અહમદનગરના રાજુર પોલીસ-સ્ટેશનના તપાસ પોલીસ-અધિકારી દીપક સરાદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાર બાદ ગાઇડ અને અન્ય યુવાનોની હાજરીમાં જ તેનો મોબાઇલ અને બૅગ બાજુમાં મૂકીને અંદાજે બેથી અઢી વાગ્યાની વચ્ચે યુવતી નીચે ખીણમાં કૂદી ગઈ હતી. તેના મૃતદેહને ત્રણ રેસ્ક્યુ ટીમે સાથે મળીને તેનાં માતા-પિતાની સામે જ ખીણમાંથી બહાર કાઢ્યો હતો. તેની બે પાનાંની સુસાઇડ-નોટમાં તેણે કોઈના પર કોઈ આક્ષેપ કર્યો નથી. ફક્ત તેણે તેનાં માતા-પિતાને ખુશ રાખી ન શકી એ માટે તેમની માફી માગી છે. તેનો ફોન નેટવર્કમાં ન હોવાથી તેનો પરિવાર તેને સવારે દસ વાગ્યાથી સતત ફોન કરતો હોવા છતાં તેઓ યુવતી સાથે વાત કરી શક્યા નહોતા. હરિશ્ચંદ્ર પર્વત પર કોંકણકડા પરથી ગાઇડ અને અન્ય લોકો તેનો મોબાઇલ લઈને નીચે ઊતરીને રાજુર પોલીસ-સ્ટેશને પહોંચ્યા ત્યારે તેના મોબાઇલ પર તેના પરિવારનો ફોન આવવાથી અમે તેમને યુવતીએ ખીણમાં કૂદકો માર્યો છે એવી જાણકારી આપી હતી. તેઓ તરત જ નીકળીને અહીં આવી ગયા હતા. ત્યાર પછી સોમવારે સવારના છ વાગ્યાથી રેસ્ક્યુ ટીમોએ રેસ્ક્યુ ઑપરેશનની શરૂઆત કરી હતી. તેમને યુવતીનો મૃતદેહ કલાકોની મહેનત બાદ હાથ લાગ્યો હતો. ત્યાર પછી અમે કાયદાકીય વિધિ કરીને તેનાં માતા-પિતાને દીકરીનો મૃતદેહ સોંપી દીધો હતો. તેઓ ખૂબ આઘાતમાં આવી ગયાં હતાં અને બોલવાની પરિસ્થિતિમાં નહોતાં. યુવતીની સુસાઇડ-નોટમાં સંપૂર્ણ વિગતો લખેલી હોવાથી અમે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને તેમને યુવતીનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સોંપી દીધો હતો.’