15 December, 2022 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ : ઘાટકોપરમાં જ્વેલરીનો વ્યવસાય કરતો વેપારી નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં એક વેપારી પાસે પહેલાંનું પેમેન્ટ લેવા માટે આવ્યો હતો. ત્યાંથી ૧૮,૧૯,૦૦૦ રૂપિયા લઈને પોતાની કારમાં તે પાછો ઘાટકોપર ફરી રહ્યો હતો ત્યારે પામ બીચ રોડ પર એક યુવાને તેની કાર અટકાવીને પોતાની બાઇકને તેણે ટક્કર મારી હોવાનું ખોટું બહાનું બતાવ્યું હતું. ત્યારે જ પાછળથી બીજી બાઇક પર આવેલો યુવાન વેપારીની કારના કાચ તોડી અંદર રાખેલા પૈસા લઈને ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ વાશી પોલીસે નોંધીને તપાસ શરૂ કરી છે.
ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા અને જ્વેલરીનો વ્યવસાય કરતા ૩૦ વર્ષના વરુણ સોનીએ કરેલી ફરિયાદ અનુસાર ૧૩ ડિસેમ્બરે સવારે તે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં ઘાટકોપરથી નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં અનાજનો વ્યવસાય કરતા વેપારી અજય અગ્રવાલે પોતાની પાસેથી થોડા દિવસ પહેલાં લીધેલા દાગીનાનું પેમેન્ટ લેવા માટે આવ્યો હતો. તેની પાસેથી ૧૮,૧૯,૭૦૦ રૂપિયા લીધા બાદ વરુણ આ રકમ પોતાની કારની પાછળની સીટમાં મૂકીને ઘાટકોપર જવા નીકળ્યો હતો. દરમ્યાન પામ બીચ થઈને મુંબઈ-પુણે હાઇવે તરફ જતાં ઍક્ટિવા પર આવેલા એક યુવકે તેની કાર હાવરે ટાવર નજીક અટકાવીને કહ્યું કે તેં મારા સ્કૂટરને ટક્કર મારી છે. આ સાંભળીને વરુણે તેની કાર રોડની સાઇડમાં પાર્ક કરી હતી અને કારમાંથી નીચે ઊતરી ઍક્ટિવા પર આવેલા યુવક સાથે વાત કરી રહ્યો હતો ત્યારે પાછળથી અન્ય એક યુવક મોટરસાઇકલ પર આવ્યો હતો. તેણે લોખંડના સળિયાથી કારનો કાચ તોડી કારમાં રાખેલા ૧૮,૧૯,૭૦૦ રૂપિયા ભરેલી લાલ થેલી લઈને ત્યાંથી નાસી ગયો હતો. ત્યાર પછી ઘટનાની ફરિયાદ વાશી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
વાશી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રમેશ ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાને અંજામ દેવા આવેલા ત્રણ લોકો સામે અમે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીઓને વેપારી પાસે પૈસા હોવાની માહિતી હોય અને પછી તેમણે ઘટનાને અંજામ આપ્યો હોય એવું પ્રાથમિક માહિતીમાં લાગી રહ્યું છે.’