14 May, 2023 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. સીબીઆઈએ વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ કેસમાં અન્ય ઘણા અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના પણ નામ છે. સીબીઆઈએ એક દિવસ પહેલા સમીર વાનખેડેના ઘરે દરોડા પાડ્યા હતા. હવે આ મામલે NCB ઑફિસર સમીર વાનખેડેનું નિવેદન સામે આવ્યું છે. સમીર વાનખેડેએ કહ્યું છે કે તેને દેશભક્ત હોવાની સજા આપવામાં આવી રહી છે.
શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા મુંબઈ (Mumbai)માં સમીરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેની 13 કલાક સુધી પૂછપરછ કરી હતી. વાનખેડે 2021થી ચર્ચામાં છે, જ્યારે તેણે મુંબઈમાં ક્રૂઝ પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત કેટલાક લોકોની ધરપકડ કરી હતી.
સીબીઆઈએ સસરાના ઘરે પણ દરોડા પાડ્યા હતા
વાનખેડેએ આજતક પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “સીબીઆઈએ મારા નિવાસસ્થાને દરોડા પાડ્યા અને 12 કલાકથી વધુ સમય સુધી સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન સીબીઆઈ પાસેથી 18 હજાર રૂપિયા અને પ્રોપર્ટી સંબંધિત કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. મેં સેવામાં જોડાતા પહેલા આ મિલકત ખરીદી હતી. મને દેશભક્ત હોવાની સજા મળી રહી છે. આગળ બોલતા, તેમણે કહ્યું કે છ અધિકારીઓની ટીમે અંધેરીમાં મારા પિતાના ઘરે દરોડા પાડ્યા અને કંઈ મળ્યું નહીં. સીબીઆઈના સાત અધિકારીઓની અન્ય એક ટીમે મારા સસરાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.”
25 કરોડની લાંચ માગવા બદલ FIR
CBIએ સમીર વાનખેડે વિરુદ્ધ આર્યન ખાનને ડ્રગ્સ-ઑન-ક્રુઝ કેસમાં ફસાવવાથી રોકવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માગવા બદલ કેસ નોંધ્યો છે. આ કિસ્સામાં, લોકસેવક સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7, 7A અને 12 તેમ જ ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ગુનાહિત કાવતરું) અને 388 (ધમકાવીને ગેરવસૂલી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: ચેમ્બુરના કચ્છી વેપારી સાથે બૅન્કના કર્મચારીએ કરી ૨૪ લાખની છેતરપિંડી
આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં
સમીર વાનખેડેએ 2 ઑક્ટોબર, 2021ના રોજ રેવ પાર્ટી દરમિયાન કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડો પાડ્યો હતો અને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન 26 દિવસ સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં હતો, ત્યારબાદ આર્યન ખાનને જામીન મળી ગયા હતા.