05 December, 2022 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિહા શાહ
ભારતીય મૂળની જૈન દીકરી અરિહા ભાવેશ શાહનું ડાઇપર ચેન્જ કરવા જતાં તેનાં નાનીથી અજાણતાં જ અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થયા બાદ જર્મનીની સરકારે અરિહાને તેનાં માતા-પિતાથી દૂર કરીને જર્મનના ફોરેસ્ટ કૅર સેન્ટરમાં મૂકી દીધી છે. અરિહાને અમને ન સોંપો તો કંઈ નહીં, પણ જર્મનીના ફોરેસ્ટ કૅર સેન્ટરને બદલે ભારતના કોઈ જૈન પરિવારને સોંપીને તેનો ઉછેર કરવામાં આવે માગણી અરિહાની મમ્મી ધારા અને તેના પપ્પા ભાવેશ છેલ્લા એક વર્ષથી જર્મનીની ભારત એમ્બેસી અને આપણા દેશના વિદેશ મંત્રાલય પાસે કરી રહ્યાં છે. જોકે ધારા અને ભાવેશને આજ સુધી ભારત એમ્બેસી કે આપણા દેશના વિદેશ મંત્રાલય તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિભાવ ન મળતાં આ મુદ્દાને હવે દેશ અને વિશ્વના જૈન સમાજોએ ઉગ્ર બનાવી દીધો છે. આવા સમયે આજે અને આવતી કાલે દિલ્હીમાં ભારત-જર્મની દ્વિપક્ષીય વાર્તાલાપમાં ગુજરાતીની દીકરી અરિહા મુખ્ય મુદ્દો બની રહેશે એવી અરિહાનાં માતા-પિતા અને જૈન સમાજને આશા છે.
છેલ્લા દોઢ વર્ષથી અરિહાને જર્મનીની ચાઇલ્ડ સર્વિસ દ્વારા વિવિધ કાયદાઓ હેઠળ જર્મનીના ફોસ્ટર કૅર સેન્ટરમાં રાખવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં અરિહાનાં માતા-પિતા અને જૈન સમાજ દ્વારા દિલ્હી, મુંબઈ અને હુબલી સહિત ગુજરાતનાં સાત જેટલાં વિવિધ શહેરોમાં વિશાળ જનમેદની સાથે અરિહા બચાવો રૅલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા-મોટા જૈન મહાત્માઓ અને વિવિધ સંપ્રદાયોના સંતો પણ જોડાયા હતા.
માતા-પિતાને આશા
ભાવેશ શાહે આ વિશે કહ્યું હતું કે ‘૩૦ નવેમ્બરે આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ મીડિયામાં જણાવ્યું છે કે જર્મનીના વિદેશમંત્રી પાંચમી તથા છઠ્ઠી ડિસેમ્બરે ભારતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન જર્મનના વિદેશમંત્રી અને આપણા વિદેશપ્રધાન ડૉ. જયશંકરજી બંને દેશો સાથે જોડાયેલા વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. આ સમાચાર મળતાંની સાથે જ સોશ્યલ મીડિયા પર લાખો લોકો વિદેશ મંત્રાલયને અને વડા પ્રધાનના કાર્યાલયને અનુરોધ કરી રહ્યા છે કે અરિહા શાહના મુદ્દાને મજબૂત રીતે આ દ્વિપક્ષીય વાર્તા દરમિયાન ઉઠાવવામાં આવે અને તેને ભારત લાવવાનો માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે. જૈન સમાજ એક તરફ દીકરીને ભારત પાછી લાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે આજે અને કાલે જર્મની અને ભારત વચ્ચે જે દ્વિપક્ષીય મંત્રણા થવાની છે એમાં અરિહા શાહના મુદ્દા પર વિસ્તૃત રીતે ચર્ચા કરશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. છેલ્લાં બે વર્ષથી જર્મની અને ભારત સરકાર વચ્ચેના સંબંધો ગાઢ બનાવવાના બંને દેશો તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે અને એ અંતર્ગત આપણા વડા પ્રધાને પણ એક જ વર્ષમાં બે વાર જર્મનીની મુલાકાત લીધી હતી.’