મહારાષ્ટ્ર-દિલ્હીના BJPના વરિષ્ઠ નેતાઓએ ગીતા જૈનને ઉમેદવારી પાછી ખેંચવાનું કહ્યું

02 November, 2024 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે નરેન્દ્ર મોદી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના આશીર્વાદથી અપક્ષ લડવા સંબંધે વિડિયો જાહેર કર્યો

ગીતા જૈન

ગુજરાતી, રાજસ્થાની અને જૈનોની બહોળી વસ્તી ધરાવતી મીરા-ભાઈંદરની વિધાનસભાની બેઠક મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે ગયા બાદ અહીંથી BJPએ ૨૦૧૯માં અપક્ષ ચૂંટણી લડનારાં ગીતા જૈન સામે હારી જનારા નરેન્દ્ર મહેતાને ફરી ઉમેદવારી આપી છે. આ બેઠકમાં ગીતા જૈને પણ મહાયુતિમાંથી દાવો કર્યો હતો, પરંતુ તેમને ટિકિટ ન મળતાં હવે ફરી અપક્ષ લડવાનો નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ બે દિવસથી ઉમેદવારી પાછી ખેંચવા માટે મહારાષ્ટ્ર અને દિલ્હી BJPના વરિષ્ઠ નેતાઓએ ગીતા જૈનને ફોન કરીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વિનંતીને અવગણીને ગીતા જૈને ગઈ કાલે એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આશીર્વાદથી મહાયુતિના એક ભાગરૂપે હું અપક્ષ ચૂંટણી લડી રહી છું. મારી લડાઈ કમળ સામે નહીં, કીચડ સામે છે.’

૪ નવેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આથી હજી ત્રણ દિવસ બાકી છે એટલે મીરા ભાઈંદરની વિધાનસભાની બેઠક પર BJP અને કૉન્ગ્રેસ વચ્ચે થશે કે ફરી ગીતા જૈન અપક્ષ ચૂંટણી લડશે તો ૨૦૧૯ની જેમ અહીં ફરી ત્રિપાંખિયો જંગ થશે એનો ખ્યાલ ૪ નવેમ્બરની સાંજે આવી જશે.

mumbai news mumbai maharashtra new delhi delhi news bhayander narendra modi devendra fadnavis eknath shinde maharashtra assembly election 2024 assembly elections maharashtra news bharatiya janata party