04 October, 2024 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દગડી ચાલમાં અરુણ ગવળીનાં પત્ની આશા અને દીકરી ગીતા સાથે મિલિંદ નાર્વેકર.
અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીની પુત્રી અને ભૂતપૂર્વ નગરસેવિકા ગીતા ગવળી ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જોડાય એવી શક્યતા છે. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના પર્સનલ સેક્રેટરી અને વિધાનસભ્ય મિલિંદ નાર્વેકરે દગડી ચાલમાં જઈને ગીતા ગવળીની મુલાકાત કરતાં આ ચર્ચાએ જોર પકડ્યું છે.
અરુણ ગવળીની અખિલ ભારતીય સેનાએ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને સપોર્ટ કર્યો હતો અને હવે અરુણ ગવળીની દીકરી ગીતા ગવળી ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાઈને ભાયખલાથી આગામી વિધાનસભાની ચૂંટણી લડે એવી શક્યતા છે.
ગીતા ગવળીની પહેલાંથી જ ભાયખલાથી વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા છે, પણ આ બેઠક પર અત્યારે એકનાથ શિંદેની શિવસેનાનાં યામિની જાધવ વિધાનસભ્ય હોવાથી મહાયુતિમાંથી તેમને ટિકિટ મળવાની શક્યતા ન હોવાથી એનો ફાયદો ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ લીધો હોવાનું કહેવાય છે.
જો ગીતા ગવળી ઉદ્ધવસેનામાં જોડાશે તો ભાયખલાની બેઠક પર તે યામિની જાધવને જોરદાર ટક્કર આપી શકે છે, કારણ કે તેને અખિલ ભારતીય સેનાના નિષ્ઠાવાન મતદારોનો પણ ફાયદો મળવાની ગણતરી છે.
અરુણ ગવળી અત્યારે શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં જન્મટીપની સજા ભોગવી રહ્યો છે.