રાજકીય હલચલ વચ્ચે ગૌતમ અદાણીએ શરદ પવાર સાથે બે કલાક ચર્ચા કરી

21 April, 2023 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવાર પ્રકરણ અને શિવસેનામાં સત્તાસંઘર્ષનો ચુકાદો નજીક છે ત્યારે ટોચના ઉદ્યોગપતિની બંધબારણે બેઠકથી જાત-જાતની અટકળો શરૂ થઈ

ગૌતમ અદાણી અને શરદ પવાર

ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગઈ કાલે એનસીપીના ચીફ શરદ પવારના મુંબઈમાં આવેલા સિલ્વર ઓક બંગલામાં જઈને મુલાકાત કરી હતી. તેઓ સવારના ૧૦.૧૦ વાગ્યે બંગલામાં પહોંચ્યા હતા અને બે કલાક બાદ બહાર નીકળ્યા હતા. બંને વચ્ચે બંધબારણે ચર્ચા થઈ હતી. તેમની વચ્ચે શું વાત થઈ હતી એ જાહેર નથી થયું, પણ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં જે ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્ત્વની ગણાઈ રહી છે.

ગૌતમ અદાણીની સામે હિંડેનબર્ગનો રિપોર્ટ જાહેર થયા બાદ કૉન્ગ્રેસ સહિતના વિરોધ પક્ષો દ્વારા આ મામલે કેન્દ્રમાં જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (જેપીસી) બનાવીને તપાસ કરવાની માગણી કરાઈ રહી છે. વિરોધ પક્ષમાં શરદ પવારનો પક્ષ પણ સામેલ છે. જોકે તેમણે કહ્યું છે કે જેપીસીને બદલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી તપાસ બરાબર છે. તેમના આવા નિવેદન બાદ હવે ગૌતમ અદાણીએ શરદ પવારની મુલાકાત કરી છે એ સૂચક છે.

એનસીપીમાં હજી સસ્પેન્સ
શરદ પવારે અજિત પવારને મળેલા ૧૮ વિધાનસભ્યોને ફોન કર્યા બાદ આજે પક્ષના મુંબઈ વિભાગ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અજિત પવારનું નામ નથી. એના પરથી એનસીપીનું સસ્પેન્સ હજી ખતમ નથી થયું એવું લાગી રહ્યું છે. શરદ પવારની અધ્યક્ષતામાં આજે મુંબઈમાં ઘાટકોપર ખાતે એનસીપીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જયંત પાટીલ, પ્રફુલ પટેલ, સુપ્રિયા સુળે, સુનીલ તટકરે, છગન ભુજબળ, જિતેન્દ્ર આવ્હાડ, અદિતિ તટકરે, અનિલ દેશમુખ સહિત પક્ષના ૨,૦૦૦ જેટલા પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહેવાની શક્યતા છે. પક્ષના મુંબઈ વિભાગ દ્વારા શિબિર બાબતે જારી કરવામાં આવેલા પત્રમાં અજિત પવારનું નામ નથી. આથી તેઓ આ શિબિરમાં સામેલ થશે કે કેમ એવો સવાલ ઊભો થયો છે. પક્ષના મોટા ભાગના નેતાઓની શિબિરમાં અજિત પવારનું નામ નથી લખવામાં આવ્યું એટલે હજી પણ એનસીપીમાં સસ્પેન્સ કાયમ હોવાનું જણાઈ આવે છે.

સિંચાઈ ગોટાળામાં અજિત પવારને ક્લીન-ચિટ?
રાજ્યમાં કૉન્ગ્રેસ-એનસીપીની સરકાર હતી ત્યારે સિંચાઈનો મોટો ગોટાળો થયો હોવાનો આરોપ બીજેપીએ તત્કાલીન સિંચાઈ પ્રધાન અજિત પવાર પર લગાવ્યો હતો અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગણી કરી હતી. આ કૌભાંડની તપાસ શરૂ કરાયા બાદ સિંચાઈ વિભાગના બે ઇન્સ્પેક્ટર સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો. આ અધિકારીઓએ મૅટમાં અપીલ કરી હતી. મૅટે આ બંને અધિકારીની અપીલ માન્ય કરીને તેમને પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. આથી એવું કહેવાય છે કે અજિત પવારને આ મામલાં ક્લીન-ચિટ મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પૃથ્વીરાજ ચવાણ મુખ્ય પ્રધાન હતા ત્યારે સિંચાઈ કૌભાંડ સંબંધિત એક વાહન ભરાય એટલા પુરાવા લઈને બીજેપીના નેતા વિનોદ તાવડે અને દેવેન્દ્ર ફડણવીસ છત્રપતિ સંભાજી નગરના વિભાગીય કમિશનરની ઑફિસે પહોંચ્યા હતા. બીજેપી-શિવસેનાની સરકાર આવ્યા પછી આ મામલો ઠંડો પડી ગયો હતો અને હવે બે અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. આથી અજિત પવારને સંડોવતા સિંચાઈ કૌભાંડનો મામલો ધી એન્ડ કરવામાં આવ્યો છે એવો સવાલ ઊભો થયો છે.

કૉન્ગ્રેસના વિધાનસભ્યો પર મદાર
શિવસેનામાં સત્તાસંઘર્ષનો ચુકાદો એકનાથ શિંદે જૂથની વિરુદ્ધમાં આવે અને તેમના સહિત શિવસેનાના ૧૬ વિધાનસભ્યો અપાત્ર ઠરે તો બીજેપીને એનસીપીના અજિત પવારની જરૂર નહીં રહે, કારણ કે સૂત્રો મુજબ બીજેપીએ કૉન્ગ્રેસના આટલા વિધાનસભ્યોને ફોડી રાખ્યા છે. આ વિધાનસભ્યોએ જ ગયા વર્ષે રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી વખતે બીજેપીની તરફેણમાં મતદાન કર્યું હતું. કૉન્ગ્રેસના અશોક ચવાણ અને નાના પટોલે સહિતના મોટા નેતાઓનું પડદા પાછળથી બીજેપીને સમર્થન છે એટલે બીજેપીને સુપ્રીમના ચુકાદાની કોઈ ચિંતા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ખારઘર ઘટનાની તપાસ કરીને મહિનામાં અહેવાલ
રાજ્ય સરકાર દ્વારા નવી મુંબઈના ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારના આયોજન વખતે ગરમી લાગવાથી ૧૪ લોકોનાં મૃત્યુ થવાના મામલામાં રાજ્ય સરકારે એક વ્યક્તિની સમિતિ બનાવીને તપાસ કરવાનો નિર્ણય લીધો છે. વિરોધ પક્ષો દ્વારા આ મામલે સરકાર પર સતત પ્રહાર કરાઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના ઍડિશનલ સેક્રેટરી દ્વારા આ ઘટનાની તપાસ કરીને એક મહિનામાં અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન, આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૪માંથી ૧૨ લોકોએ સાત કલાકથી કંઈ ખાધું-પીધું ન હોવાનું તેમના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાઈ આવ્યું છે. ખાલી પેટ અને સાત કલાક સુધી ગરમીમાં રહેવાને લીધે આ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું પોસ્ટમૉર્ટમ કરનારા ડૉક્ટરોએ જણાવ્યું છે. મોટી સંખ્યામાં આવેલા લોકો માટે સૂરજની ગરમીથી રાહત આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હોત તો તેમને તકલીફ ન થાત એવું પોસ્ટમૉર્ટમમાં નોંધવામાં આવ્યું છે.

mumbai mumbai news shiv sena nationalist congress party ajit pawar sharad pawar gautam adani