14 September, 2024 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંપનીમાં ગુરુવારે રાત્રે ગૅસ લીક થયો હતો
મુંબઈ નજીકના અંબરનાથમાં આવેલી મોરીવલી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ની એક કંપનીમાં ગુરુવારે રાત્રે ગૅસ લીક થવાથી આખા વિસ્તારમાં ધુમ્મસ ફેલાઈ ગયું હતું અને સ્થાનિક રહેવાસીઓને આંખમાં ખંજવાળ આવવાની સાથે ગળામાં બળતરા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંબરનાથ ફાયર-બ્રિગેડના જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે એક કેમિકલ કંપનીમાં ગૅસને એકથી બીજા ચેમ્બરમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોઈક રીતે એ લીક થવાથી આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. એને લીધે રાતના સમયે ધુમ્મસ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ગૅસ લીક થવાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગૅસ કયા પ્રકારનો છે અને એ કેટલો જોખમી છે એ ચકાસવા માટેની ઇમર્જન્સી ટીમ પણ કંપનીમાં બોલાવવામાં આવી હતી. ધુમ્મસ છવાઈ જવાની સાથે આંખમાં ખંજવાળ આવવી અને ગળામાં બળતરા થવા સિવાયની કોઈ ગંભીર મુશ્કેલી નહોતી થઈ હતી.