આજે વિસર્જન માટે મુંબઈ પોલીસના ૧૯,૦૦૦થી વધુ જવાનો રહેશે તહેનાત

28 September, 2023 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસ કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને એ માટે તૈયાર છે

ગિરગામ ચોપાટી પર વિસર્જનની તૈયારીને આખરી ઓપ આપી રહેલા બીએમસીના કર્મચારીઓ. (તસવીર : શાદાબ ખાન)

તહેવારના છેલ્લા દિવસે અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સરઘસ કાઢવામાં આવશે ત્યારે કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસ અધિકારીઓ સહિત ૧૯,૦૦૦થી વધુ કર્મચારીઓને તહેનાત કરી રહી છે. ઈદ-એ-મિલાદ માટે પણ સેમ સિક્યૉરિટી અરેન્જમેન્ટ્સ રહેશે. પોલીસ દ્વારા કરવામાં આવેલી અપીલ પર અનંત ચતુર્દશીને ધ્યાનમાં રાખીને વિવિધ મુસ્લિમ સંગઠનો અને ધાર્મિક નેતાઓએ ગુરુવારને બદલે શુક્રવારે ઈદ-એ-મિલાદનું જુલૂસ કાઢવાનો નિર્ણય કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘પોલીસ કર્મચારીઓમાં ૧૬,૨૫૦ કૉન્સ્ટેબલ, ૨૮૬૬ અધિકારીઓ, ૪૫ અસિસ્ટન્ટ પોલીસ કમિશનર, ૨૫ નાયબ પોલીસ કમિશનર, આઠ ઍડિશનલ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ), રૅપિડ ઍક્શન ફોર્સની એક કંપની, ક્વિક રિસ્પૉન્સ ટીમ્સ (ક્યુઆરટી) અને હોમગાર્ડ્સની ૩૫ પ્લૅટૂન શહેરમાં મહત્ત્વનાં સ્થળોએ હાજર રહેશે.’

અધિકારીએ ઉમેર્યું હતું કે અનંત ચતુર્દશીએ ગણપતિબાપ્પાને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં મુંબઈગરાઓ શેરીઓમાં ઊમટી પડે છે એ ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને એ માટે તૈયાર છે.

ટ્રાફિક પોલીસ કર્મચારીઓ એ સુનિશ્ચિત કરશે કે સરઘસ દરમ્યાન ટ્રાફિકની સમસ્યા ટાળવામાં આવે. ગિરગામ. દાદર, જુહુ, માર્વે અને આક્સા બીચ સહિત ૭૩ સ્થળોએ હજારો ઘરગથ્થુ અને જાહેર ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. મુંબઈ સુધરાઈએ પણ વિસર્જન સરઘસની તૈયારીઓ કરી લીધી છે. શહેરમાં તમામ સરઘસો પર સીસીટીવી કૅમેરા દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે એ સુનિશ્ચિત કરવા માટે સાદાં વસ્ત્રોમાં પોલીસ ભીડમાં ભળી જશે. વિસર્જન સરઘસ પર દેખરેખ રાખવા માટે અલગ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવશે.

ganpati ganesh chaturthi visarjan mumbai mumbai news mumbai police