વિસર્જનમાં ઘોંઘાટ જ ઘોંઘાટ

11 September, 2022 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણપતિ વિસર્જન ‍વખતે સૌથી વધુ અવાજ  ઑપેરા હાઉસ ખાતે ૧૨૦.૨ ડેસિબલ નોંધાયો

મુંબઈના વિખ્યાત તેજુકાયાના ગણપતિ મંડળની ગણેશજીની મૂર્તિનું વાજતે ગાજતે ગિરગામ ચોપાટીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. (તસવીર : આશિષ રાજે)

ગણશોત્સવના અંતિમ દિવસે ગણેશવિસર્જન વખતે મુંબઈમાં બે વર્ષ બાદ ધામધૂમથી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાતાં અવાજનું પ્રમાણ ૧૨૦ ડેસિબલ નોંધાયું હોવાનું શહેરના એક સંગઠને ગઈ કાલે જણાવ્યું હતું.

એનજીઓ આવાઝ ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ ગણેશોત્સવના અંતિમ દિવસે વિસર્જન દરમ્યાન સૌથી વધુ અવાજ દ​ક્ષિણ મુંબઈમાં ઑપેરા હાઉસ ખાતે શુક્રવારની મધરાતે ૧૨૦.૨ ડેસિબલ નોંધાયો હતો. સંગઠનના અધિકારીએ જણાવ્યા અનુસાર ટ્વિટર પર પોલીસને ફરિયાદ કરાતાં સંગીત બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદના ક્રમે શાસ્ત્રીનગર પાસે ૧૧૮ ડેસિબલ અવાજ નોંધાયો હતો. અહીં લોકો ડ્રમ, મેટલનાં સિલિન્ડર અને લાઉડ સ્પીકર્સ વગાડી રહ્યાં હતાં. ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાય છે ત્યાં ગિરગામ ચોપાટી ખાતે ૧૦૬ ડેસિબલ અવાજ નોંધાયો હતો.

૨૦૧૯માં શહેરમાં અવાજનું પ્રમાણ ૧૨૧.૩ ડેસિબલ હતું, જે ત્યાર બાદનાં બે વર્ષ દરમ્યાન અનુક્રમે ૧૦૦.૭ ડેસિબલ અને ૯૩.૧ ડેસિબલ નોંધાયું હતું. 

mumbai mumbai news ganpati