18 January, 2023 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દાઉદના ભત્રીજા અને હસીના પારકરના પુત્ર અલીશાહ પારકરે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સમક્ષ ભાગેડુ અન્ડરવર્લ્ડ ગૅન્ગસ્ટરે પહેલી પત્ની મેઝબીનને છૂટાછેડા આપ્યા વગર જ પાકિસ્તાનની પઠાણ મહિલા સાથે બીજાં લગ્ન કર્યાં હોવાનો ખુલાસો કર્યો હતો. અલીશાહ પારકરે કહ્યું હતું કે દાઉદની પહેલી પત્ની વૉટ્સઍપ કૉલ દ્વારા લોકોના સંપર્કમાં હોય છે. અલીશાહે દાઉદના પરિવાર વિશે તમામ માહિતીઓ આપી હતી. તેણે કહ્યું હતું દાઉદે પાકિસ્તાનના કરાચીમાં પોતાનું ઘર પણ બદલ્યું છે.
એનઆઇએએ દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીદારો સામે ટેરર ફન્ડિંગના મામલે કેસ કર્યો હતો અને કેટલાક લોકોની ધરપકડ કરી હતી. એનઆઇએને આપેલા સ્ટેટમેન્ટમાં અલીશાહે જણાવ્યું હતું કે ‘દાઉદે દેશના મોટા નેતાઓ અને ઉદ્યોગપિતઓ પર હુમલાઓ કરવા માટે એક સ્પેશ્યલ ટીમ બનાવી છે. તેઓ મોટાં શહેરોમાં હિંસા ફેલાવી શકે છે. દાઉદ ઇબ્રાહિમ લોકોને એવું કહે છે તેણે બીજાં લગ્ન કરવા માટે પહેલી પત્નીને તલાક આપી દીધા હતા, પરંતુ આ વાત ખોટી છે. વળી તે હવે કરાચીના અબદુલ્લા ગાઝી બાબા દરગાહ વિસ્તારમાં આવેલા ડિફેન્સ એરિયા નજીક રહે છે. હું દાઉદ ઇબ્રાહિમની પહેલી પત્ની મેઝબીનને દુબઈમાં જુલાઈ ૨૦૨૨માં મળ્યો હતો. દાઉદની પત્ની મારી પત્ની સાથે ઉત્સવ હોય ત્યારે વૉટ્સઍપ દ્વારા વાત પણ કરે છે.’
દાઉદ ઇબ્રાહિમ કોઈની સાથે વાત કરતો નથી. દાઉદની પત્ની મેઝબીનને ત્રણ દીકરીઓ છે. એમાંથી મારુખનાં લગ્ન જાવેદ મિયાદાદના પુત્ર જુનૈદ સાથે થયાં હતાં. બીજી દીકરીનું નામ મેહરીન છે અને ત્રીજીનું નામ મઝિયા છે. તેના પુત્રનું નામ મોહિન નવાઝ છે. દાઉદની બીજી પત્ની પાકિસ્તાનની પઠાણ છે.