હોટેલિયરની હત્યાના કેસમાં છોટા રાજનને આજીવન કારવાસ

31 May, 2024 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છોટા રાજન સામે મહારાષ્ટ્રમાં ૭૦ ગુના નોંધાયા છે જેમાં પત્રકાર જે ડે મર્ડરકેસનો પણ સમાવેશ છે

ફાઇલ તસવીર

ગૅન્ગસ્ટર રાજેન્દ્ર સદા​શિવ નિખાળજે ઉર્ફે છોટા રાજનને ગઈ કાલે સ્પેશ્યલ કોર્ટે ૨૦૦૧માં કરાયેલી હોટેલિયર જયા શેટ્ટીની હત્યા માટે દોષી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (મોકા-MCOCA) સ્પેશ્યલ કોર્ટના જજ એ. એમ. પાટીલે છોટા રાજનને આ સજા સંભળાવી હતી. જયા શેટ્ટી ગ્રાન્ટ રોડના ગામદેવી વિસ્તારમાં ગોલ્ડન ક્રાઉન હોટેલ ધરાવતો હતો. જયા શેટ્ટીને છોટા રાજન ખંડણી માટે ધમકી આપતો હતો એટલે જયા શેટ્ટીએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હોવાથી પોલીસે તેને પ્રોટેક્શન આપ્યું હતું. જોકે એ પછી જયા શેટ્ટીના કહેવાથી જ એ પ્રોટેક્શન કાઢી લેવાયું હતું અને એના બે મહિના પછી ૨૦૦૧ની ચોથી મેએ છોટા રાજનના બે સાગરીતોએ હોટેલના પહેલા માળે જઈને જયા શેટ્ટીની હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે છોટા રાજને તેના સાગરીતો અજય મોહિતે, પ્રમોદ ધોંડે અને રાહુલ પાનસરે સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

છોટા રાજન સામે મહારાષ્ટ્રમાં ૭૦ ગુના નોંધાયા છે જેમાં પત્રકાર જે ડે મર્ડરકેસનો પણ સમાવેશ છે. છોટા રાજનની ૨૦૧૫ની ૨૫ ઑક્ટોબરે બાલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી તેને ડીપૉર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. એ પછી તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે. 

chhota rajan maharashtra news Crime News mumbai crime news mumbai mumbai news