19 January, 2021 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટોળકી
જે દંપતીઓને બાળક થવાની શક્યતા ન હોય કે તેમના ફર્ટિલિટી રિપોર્ટ અનુસાર શુક્રાણુંઓની કમી હોય એવા દંપતીઓ અને એમાં પણ જે દંપતી બાળક મેળવવા બહુ જ ઉત્સુક હોય તેમને રૂપિયા આપો તો બાળક મેળવી આપીએ એવી લાલચ આપી સામે ગરીબ મહિલાઓ જેમને ઑલરેડી બાળકો હોય અને બાળકોનો ઉછેર ન કરી શકતી હોય તેમને પણ પૈસાની લાલચ આપી તેમનાં નવજાત બાળકો વેચવાના મસમોટા કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. હાલમાં ત્રણ બાળકોની માહિતી મળી છે, પણ અન્ય ચાર બાળકો પણ ગૅન્ગે વેચ્યાં હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે. હાલમાં બે બાળકો રેસ્કયુ કરાયાં છે, જ્યારે અન્ય બાળકોની શોધ ચલાવાઈ રહી છે.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧ના અધિકારીઓ દ્વારા આ કેસમાં ૯ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં ખાસ કરીને મહિલા નર્સ, મહિલા લૅબ ટેક્નિશ્યન અને મહિલા એજન્ટનો સમાવેશ થાય છે. એક હોમિયોપથી ડૉક્ટરે પણ આમાં એજન્ટની ભૂમિકા ભજવી હોવાથી તેની પણ ધરપકડ કરાઈ છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ ચવાણે આ સંદર્ભે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘હાલમાં એક મહિલાનાં બે બાળકો અને અન્ય મહિલાનું એક એમ કુલ ત્રણ બાળકોના સંદર્ભે અમે એફઆઇઆર રજિસ્ટર કરી તપાસ ચાલુ કરી હતી. બાંદરા-ઈસ્ટમાં ખેરવાડી પાસે જ્ઞાનેશ્વર નગરમાં એ બે મહિલાઓ રુખસાર શેખ અને શહાજહાં જોગીલકર રહે છે. શહાજહાં જોગીલકરને નવેમ્બર ૨૦૧૯માં દીકરી થઈ હતી, એ તેણે ૭૦,૦૦૦ રૂપિયામાં વેચી હતી, જ્યારે તેને જ ૧ ડિસેમ્બરે દીકરો આવ્યો હતો એ તેણે ૧.૫ લાખ રૂપિયામાં વેચ્યો હતો, જ્યારે રુખસાર શેખને દીકરો આવ્યો હતો એ તેણે ૨.૫૦ લાખ રૂપિયામાં વેચ્યો હતો. આ આખા રૅકેટમાં એક એનજીઓનો પણ સમાવેશ હોવાનું સામે આવ્યું છે.