ગણપતિબાપ્પાના આગમનને હવે દોઢ જ મહિનો બાકી છે, પણ... મંડળોને મંડપ બાંધવાની પરવાનગી હજી નથી મળતી

26 July, 2024 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરવાનગી જ ન હોય તો મંડપ કેમ બાંધવો અને એ પછી ડેકોરેશન ક્યારે કરવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે

ગયા રવિવારે ગણેશ ગલીના મુંબઈચા રાજાનું પાદ્યપૂજન કરવામાં આવ્યું હતું.

મુંબઈના લાડકા ગણપતિબાપ્પાનું આગમન સાતમી સપ્ટેમ્બરે થઈ રહ્યું છે એ જોતાં હવે દોઢ જ મહિનો બાકી છે. મોટા મંડપોમાં ગણપતિ લાવવા પહેલાં જ ડેકોરેશનનું કામ ચાલુ કરી દેવાતું હોય છે, કારણ કે થીમ-બેઝ્‍ડ ડેકોરેશન કરવામાં બહુ સમય લાગતો હોય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ માટે સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને મંડપ બાંધવા લગભગ બે મહિના પહેલાં બધી જ પરવાનગીઓ એક જ જગ્યાએથી મળે એ માટે દરેક  વૉર્ડ-ઑફિસમાં સિંગલ વિન્ડો કાઉન્ટર ઓપન કરવામાં આવતું હોય છે. જોકે આ વર્ષે સિંગલ વિન્ડો કાઉન્ટર ઓપન કરવામાં આવ્યું ન હોવાથી ગણેશોત્સવ મંડળો ચિંતામાં મુકાઈ ગયાં છે. જ્યાં સુધી બધી પરવાનગીઓ ન મળે તો ત્યાં સુધી મંડપ બાંધવો કેમ અને ડેકોરેશન કઈ રીતે શરૂ કરવું એવો સવાલ પણ ઑર્ગેનાઇઝરોને થઈ રહ્યો છે. 
 
મુંબઈમાં હાલ ૧૨,૦૦૦ કરતાં વધુ નાનાં-મોટાં સાર્વજનિક ગણેશ મંડળો નોંધાયેલાં છે. આ મંડળો મંડપ બાંધવા સહિતની વિવિધ પરવાનગીઓ એક-બે મહિના પહેલાં જ લઈ લેતાં હોય છે. મંડળો દ્વારા એ માટે ઑનલાઇન અરજી કર્યા બાદ પાંચથી સાત દિવસમાં એમને એ પરવાનગી અને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવાનો BMCનો આશય હોય છે. મંડળો દ્વારા આ અરજી કરાયા બાદ BMCની પરવાનગી સહિત 

ફાયર-બ્રિગેડ, ટ્રાફિક-પોલીસ, લોકલ પોલીસનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું હોય છે. એ બધું જ BMCની વૉર્ડ-ઑફિસમાં સિંગલ વિન્ડો પરથી આપવામાં આવે છે. જોકે એમાં સમય લાગતો હોવાથી મંડળોના પદાધિકારીઓ ફાયર-બ્રિગેડ, પોલીસ અને ટ્રાફિક-પોલીસની ઑફિસે જઈને એ માટે ફૉલોઅપ કરે છે અને ત્યાર બાદ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળતું હોય છે. આ વર્ષે હવે દોઢ જ મહિનો બાકી રહ્યો છે છતાં એ સિંગલ વિન્ડો કાઉન્ટર ઓપન કરવામાં નથી આવ્યું એથી ગણેશ મંડળોના પદાધિકારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

શું કહે છે સમન્વય સમિતિના અધ્યક્ષ?

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ ઍડ્વોકેટ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાર્વજનિક ગણપતિ મંડળોના ગણપતિનું આગમન ૧૧ ઑગસ્ટથી ચાલુ થઈ જશે. એ પછી એ ચાલુ જ રહેશે. મૂળમાં ઘણી જગ્યાએ ગણપતિ લાવ્યા બાદ પણ ઘણું ડેકોરેશન કરવાનું હોય છે. મંડળો દ્વારા એ ડેકોરેશન માટેનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવતો હોય છે. જો પરવાનગી જ ન હોય તો મંડપ કેમ બાંધવો અને એ પછી ડેકોરેશન ક્યારે કરવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે. અમે આ સંદર્ભે BMCના અધિકારીઓ સાથે ઑલરેડી બેઠક કરી છે, પણ હજી સુધી કોઈ ડેવલપમેન્ટ નથી. મૂળમાં ઉપરોક્ત બધી પરવાનગીઓ અને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપતાં પહેલાં રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્પૉટ-વિઝિટ કરવી પડે છે અને એ પછી જ એ માટેની પરવાનગી મળે છે. આમ આ થોડી લેન્ધી પ્રોસીજર છે. હાલ તો મંડળો વહેલી તકે પરવાનગી મળે એની રાહ જોઈ રહ્યાં છે.’

mumbai news mumbai ganesh chaturthi brihanmumbai municipal corporation festivals