28 August, 2024 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિના સભ્યો સાથે સ્પેશ્યલ કમિશનર દેવેન ભારતી અને લૉ ઍન્ડ ઑર્ડરના જૉઇન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરી.
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિએ સોમવારે મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકર સાથે ગણેશોત્સવ દરમ્યાન ટ્રાફિક, ચોરી, મારામારી અને વિનયભંગના બનાવો કઈ રીતે અટકાવવા એ માટે બેઠક કરી હતી. આ બેઠકમાં ટ્રાફિક અને ક્રાઇમના જૉઇન્ટ કમિશનરો પણ હાજર રહ્યા હતા. તાજેતરમાં કલકત્તામાં મહિલા ડૉક્ટર અને બદલાપુરમાં બે બાળકીઓ સાથે બનેલી શરમજનક ઘટનાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસના અધિકારીઓ ગણેશોત્સવ દરમ્યાન મંડળોની મુલાકાત લેશે. તેઓ મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા કેવાં પગલાં લેવાં જોઈએ, જો કોઈ મહિલા વિનયભંગનો કે પછી શારીરિક શોષણનો શિકાર થઈ હોય તો તેણે ક્યાં અને કેવી રીતે પોલીસનો સંપર્ક કરવો, ફરિયાદ કરતી વખતે કોઈથી ડરવું નહીં વગેરે વિશે મંડળો સાથે જોડાયેલી કિશોરીઓને ગુડ ટચ, બૅડ ટચ વિશે માહિતી આપશે. બીજી બાજુ મંડળની આસપાસ બનતા ક્રાઇમને અટકાવવાની જવાબદારી મંડળોના પદાધિકારીઓ પર હશે.
આ વખતે ગણેશોત્સવ દરમ્યાન ચોરી, મારામારી અને વિનયભંગના કેસોને અટકાવવા માટે પોલીસ અને મંડળો સાથે મળીને પ્રયાસ કરશે. એમાં મંડળની અંદર એટલે કે પંડાલની અંદરની તમામ વ્યવસ્થા જોવાની જવાબદારી મંડળના પદાધિકારીઓ પર હશે; જ્યારે બહારના વિસ્તારમાં પૅટ્રોલિંગ, ગેરકાયદે પાર્કિંગ વગેરેની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવશે એમ જણાવતાં બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ગણેશોત્સવમાં આશરે સાડાત્રણ હજાર મંડળોની બંદોબસ્ત જાળવવાની જવાબદારી મુંબઈ પોલીસ પર હોય છે. મુંબઈમાં ગણેશોત્સવ મોટા પાયે ઊજવાતો હોવાથી અહીં રાજ્યની બહારથી હજારો લોકો ગણપતિનાં દર્શન કરવા આવતા હોય છે. દર વર્ષની જેમ ગણેશોત્સવ પહેલાં અમારી સમિતિ સિનિયર અધિકારીઓની મુલાકાત લેતી હોય છે. આ વર્ષે લીધેલી મુલાકાતમાં મહિલાઓની સુરક્ષાવ્યવસ્થા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે પોલીસ અને મંડળો પોતપોતાની રીતે તૈયારીઓ કરશે. એ સાથે જ લાલબાગ, ચિંતામણિ જેવાં મોટાં મંડળોમાં થતી ચોરીના બનાવ અટકાવવા માટે મંડળોના સભ્યો પંડાલમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પર ૨૪ કલાક ધ્યાન આપશે. જો કોઈ શંકાસ્પદ દેખાશે તો તાત્કાલિક પોલીસને એની જાણ કરવામાં આવશે. આ બધાની સાથે પોલીસ, મંડળો, ફાયર બ્રિગ્રેડ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું વૉર્ડ પ્રમાણે વૉટ્સઍપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં મંડળો પોતાને થતી પરેશાની ડાયરેક્ટ સંબંધિત અધિકારીઓને પહોંચાડી શકશે. આ ગ્રુપમાં ટ્રાફિક વિભાગના અધિકારીઓને એવી સૂચના પણ આપવામાં આવી છે કે મંડળની આસપાસ થતું પાર્કિંગ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.’
આ વર્ષે BMCએ અમારી તમામ માગણીઓ પર યોગ્ય ધ્યાન આપ્યું છે એમ જણાવતાં નરેશ દહિબાવકરે વધુમાં કહ્યું હતું કે ‘દર વર્ષે મોટાં મંડળોમાં મહિલાઓને ટૉઇલેટની સમસ્યા થતી હોય છે એ ધ્યાનમાં રાખીને આ વખતે મોટાં મંડળોની આસપાસ મહિલાઓ માટે મોબાઇલ ટૉઇલેટની વ્યવસ્થા કરવામાં આવશે. મંડળોને અસેસમેન્ટ ટૅક્સમાં પણ ૫૦ ટકાની રાહત આપવામાં આવી છે. જો કોઈ ગણેશોત્સવ BMCના મેદાનમાં થતો હશે તો એ મેદાનના ભાડામાં પણ પચાસ ટકાની રાહત આપવામાં આવી છે. આગની ઘટનાને રોકવા માટે મોટાં મંડળોએ ફાયર-બ્રિગ્રેડની વ્યવસ્થા ૨૪ કલાક કરવાની રહેતી હોય છે. એ માટે તેમણે ફાયર-બ્રિગ્રેડ પાસે પૈસા ભરવાના રહેતા હતા. આ વર્ષે આ સર્વિસ ફ્રીમાં આપવામાં આવશે. આગમન અને વિસર્જન વખતે અમે જે માગણી કરી હતી કે ખાડામુક્ત રસ્તાઓ હોવા જોઈએ અને વૃક્ષોનું ટ્રિમિંગ થયું હોવું જોઈએ એ કામ પણ BMCએ કરી આપ્યું છે એટલે મંડળોને આ વખતે કોઈ પરેશાની નડી નથી.’
૪૫ ટકા મંડળોને પાંચ વર્ષની પરમિશન
આ વર્ષે આશરે ૪૫ ટકા મંડળોને પાંચ વર્ષની એકસાથે પરમિશન આપવામાં આવી છે એમ જણાવીને નરેશ દહિબાવકરએ કહ્યું હતું કે ‘અમે રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે જૂનાં મંડળોને પાંચ વર્ષની એકસાથે પરમિશન આપવામાં આવે. એના પર પણ BMCએ પૉઝિટિવ રિસ્પૉન્સ આપીને આશરે ૪૫ ટકા મંડળોને એકસાથે પાંચ વર્ષની પરમિશન આપી છે. આ ઉપરાંત બાપ્પાના આગમનને હવે થોડા દિવસ બાકી છે ત્યારે રજાના દિવસે પણ BMCના અધિકારીઓ પરમિશન માટેની વિન્ડો ઓપન રાખશે. ગણેશોત્સવમાં નાગરિકો રાતે પણ દર્શનનો લહાવો લઈ શકે એ માટે રેલવે અને બસો ૨૪ કલાક દોડાવવામાં આવશે.’