અંધેરીચા રાજા બિરાજશે જેસલમેરની ફેમસ પટવા હવેલીમાં

06 September, 2024 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮૦૫માં રાજસ્થાનના શ્રીમંત વેપારી બંધુઓએ પાંચ હવેલીને એકબીજા સાથે જોડીને એ બનાવી હતી

અંધેરીચા રાજા

મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર ગણેશોત્સવ શનિવારથી શરૂ થઈ રહ્યો છે ત્યારે અંધેરી-વેસ્ટના આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના જાણીતા અંધેરીચા રાજા ગણપતિમાં રાજસ્થાનના જેસલમેરની ફેમસ પટવા હવેલી ઊભી કરવામાં આવી છે. આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના પ્રવક્તા અને કમિટી મેમ્બર ઉદય સાલિયને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશોત્સવની ઉજવણીનું અમારું આ ૫૯મું વર્ષ છે. અમે દર વર્ષે જુદી-જુદી થીમ દ્વારા ગણેશભક્તોને આપણી સંસ્કૃતિનાં દર્શન કરાવીએ છીએ. આ વર્ષે અમે રાજસ્થાનના જેસલમેરમાં આવેલી પટવા હવેલીની થીમ પર ૪૦ ફુટ પહોળો અને ૧૧૦ ફુટ લાંબો મંડપ બનાવવામાં આવ્યો છે. મંડપની વચ્ચોવચ્ચ ગભારો બનાવવામાં આવ્યો છે, જેમાં નવ ફીટની ઊંચાઈના અંધેરીચા રાજાની મૂર્તિ મૂકવામાં આવશે. આ થીમમાં રાજસ્થાનની શાહી વિરાસતને મુંબઈની સંસ્કૃતિ સાથે જોડી દેવામાં આવી છે. આથી અહીં રાજસ્થાનની સાથે મુંબઈની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. મંડપમાં સાત ઝુમ્મર લગાવવામાં આવ્યાં છે. આ સજાવટ ૪૦ દિવસમાં ૭૦ કારીગરોએ તૈયાર કરી છે. સજાવટમાં વાપરવામાં આવેલી વસ્તુઓ પર્યાવરણને અનુકૂળ છે અને ભવિષ્યમાં વિવિધ કામમાં એનો ફરી ઉપયોગ થઈ શકશે. ગયા વર્ષે અહીં છત્રપતિ શિવાજી મહારાજના રાયગડના કિલ્લાની થીમ પર સજાવટ કરવામાં આવી હતી. 

ganpati ganesh chaturthi andheri jaisalmer mumbai mumbai news