24 September, 2023 11:50 AM IST | Mumbai | Shailesh Nayak
લાલબાગચા રાજાના પંડાલની પાસે હાર ચડાવવા ઊભેલી સુરતની ચોકસી ફૅમિલી, લાલબાગચા રાજાને સુરતની ચોકસી ફૅમિલીએ ગઈ કાલે સોનાના વરખવાળાં ગુલાબનાં ફૂલોનો હાર ચડાવ્યો હતો
આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા મુંબઈના લાલબાગચા રાજાના દરબારમાં ગઈ કાલે ગણપતિજીને સોનાના વરખવાળાં ગોલ્ડન રોઝ ફૂલોનો હાર ચડાવીને સુરતની ચોકસી ફૅમિલી ભાવવિભોર થઈ ગઈ હતી. સોનાનો વરખ ચડાવેલાં અંદાજે ૨૫૦ જેટલાં ગોલ્ડન રોઝનો નવ ફુટ લાંબો હાર ભક્તિભાવથી ચડાવીને ચોકસી ફૅમિલીએ શ્રદ્ધાથી દાદાનાં ચરણોમાં માથું ટેકવ્યું હતું અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
લાલબાગચા રાજાનાં દર્શન કર્યા બાદ દીપ ચોકસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ફૅમિલીને આસ્થા અને શ્રદ્ધાથી દાદાનાં ચરણોમાં ગોલ્ડપ્લેટેડ એક ફૂલ ચડાવવાની ઇચ્છા હતી, પણ ગોલ્ડપ્લેટેડ આખો હાર ચડાવ્યો એટલે અમારા માટે ડ્રીમ કમ ટ્રુ જેવું થયું છે. લાલબાગચા રાજા વિશે અમે ઘણું બધું સાંભળ્યું છે, પરંતુ દાદાનાં દર્શન કરવા અહીં અમે પહેલી વાર આવ્યા છીએ. અમે ગોલ્ડપ્લેટેડ રોઝનો હાર આપ્યો હતો, જે અમારી સામે દાદાને ચડાવાયો હતો. લાલબાગના ગણપતિજીને હાર ચડાવીને તેમનાં દર્શન કરીને દિવ્ય અનુભૂતિ થઈ. અમે પહેલી વાર દર્શન કરવા આવ્યાં અને મન ખુશ થઈ ગયું. મારી સાથે મારી વાઇફ પરિધિ, મારી બહેન દેવાંશી અને ભાઈ હર્ષ તેમ જ મારા ફ્રેન્ડ્સ અમે બધાએ દાદાનાં દર્શન કરી તેમનાં ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ માગ્યા હતા.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘લાલબાગચા રાજાને ઘણી વાર ટીવીમાં જોયા છે, પણ અમે અહીં રૂબરૂ આવ્યા અને તેમના દિવ્ય સ્વરૂપને જોતા જ રહી ગયા. દાદાનાં દર્શનનો અનુભવ અમારા માટે કંઈક અલગ જ છે.’
ઉલ્લેખનીય છે કે સુરતના જ્વેલર્સ દીપક ચોકસીને તેમનાં દીકરા-દીકરીએ એક ગોલ્ડન રોઝ લઈને લાલબાગચા રાજાનાં દર્શન કરવા જવું છે એમ કહ્યું ત્યારે તેમને દીપક ચોકસીએ કહ્યું હતું કે ‘દાદા તો એટલા મોટા છે કે એક ગોલ્ડન રોઝ નહીં દેખાય. એટલે આપણે એક સુંદર હાર તેમના માટે બનાવીએ.’
આમ વિચારીને તેમણે લાલબાગચા રાજા માટે નવ ફુટ લાંબો ગોલ્ડ વરખ ચડાવેલો અંદાજે ૨૫૦ ગોલ્ડન રોઝનો હાર બનાવ્યો હતો.