18 September, 2023 11:45 AM IST | Mumbai | Prakash Bambhroliya
ભિવંડીમાં બનાવવામાં આવેલી આસામના વિખ્યાત શ્રી મહામૃત્યુંજય મંદિરની પ્રતિકૃતિ
આવતી કાલથી રાજ્યનો સૌથી મોટો તહેવાર ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે સાર્વજનિક મંડળો દ્વારા જાત-જાતની થીમ થકી ગણેશભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભિવંડીના ધામણકરનાકા મિત્ર મંડળ અને સ્વાભિમાન સેવા સંસ્થા વતી આ વખતે આસામના નગાવ ખાતે આવેલા વિખ્યાત શ્રી મહામૃત્યુંજય મંદિરની ૧૧૦ ફીટ ઊંચી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ ઇકો-ફ્રેન્ડ્લી શિવલિંગ બનાવવા માટે દસ હજારથી વધુ બામ્બુ તેમ જ રંગીન કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પાંત્રીસ વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરતા ભિવંડીમાં આવેલા ધામણકરનાકા મિત્ર મંડળ દ્વારા આ વર્ષે ૧૧૦ ફીટ ઊંચાઈના આસામના વિખ્યાત શિવલિંગની પ્રતિકૃતિ બનાવવા માટે ઓડિસાથી એક મહિના પહેલાં સેંકડો કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. તેમણે દસ હજારથી વધુ બામ્બુ અને રંગીન કપડાની મદદથી ઇકો-ફ્રેન્ડ્લી શિવલિંગ બનાવ્યું છે. એટલું જ નહીં, ગણપતિની મૂર્તિ જ્યાં બિરાજમાન કરવામાં આવી છે એ મંડપ પણ ઊભો કરવામાં આવ્યો છે.
મંડળના અધ્યક્ષ સંતોષ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશભક્તોને દર વર્ષે દેશનાં વિખ્યાત મંદિરોનાં દર્શન અહીં જ થાય એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. ગયા વર્ષે અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી. લોકોને એ ખૂબ પસંદ આવી હતી અને થાણે જિલ્લામાં અમારા મંદિરને પહેલું ઇનામ મળ્યું હતું. આ વર્ષે અમે ગણેશભક્તોને આસામના શિવ મંદિરનાં દર્શન અહીં થાય એ માટે ૧૧૦ ફીટનું શિવલિંગ ઊભું કર્યું છે, જે ઓડિસાના કારીગરોએ એક મહિનાની મહેનતથી તૈયાર કર્યું છે.’
ધામણકર ગણેશોત્સવ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કૅમ્પ, આઇ કૅમ્પ, ચિત્રકલા સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે ૪,૦૦૦ સ્ટુડન્ટ્સે ચિત્રકલા સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ આયોજન માટે થાણે જિલ્લામાં પહેલું પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.