ગણેશોત્સવ માટે બીએમસીની પરવાનગી વિશેનું વિઘ્ન થયું દૂર

11 August, 2023 01:49 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

હવે ચાલીસ દિવસ જ બાકી હોવાથી સાર્વજનિક મંડળોને પંડાલ બાંધવાની મંજૂરી મળી રહી ન હોવાથી મંડળો ​ચિંતામાં મુકાઈ ગયાં હતાં, જોકે એ દૂર થઈ હોવાની સુધરાઈએ કરી જાહેરાત

ફાઇલ તસવીર

મુંબઈના લાડકા ગણપતિબાપ્પાના આગમનને હવે ચાલીસ દિવસ જ બાકી છે ત્યારે પણ સાર્વજનિક મંડળોને પંડાલ બાંધવાની બીએમસીની પરવાનગીઓ ન મળી રહી હોવાથી મંડળો ​ચિંતામાં મુકાઈ ગયાં છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા મુંબઈગરાઓને આ વર્ષે ધામધૂમથી ગણેશોત્સવ ઊજવવા જણાવાયું છે અને બીએમસીને પણ એ માટે વન વિન્ડો દ્વારા પરવાનગી આપવાનો આદેશ આપ્યો છે. વળી કોવિડ વખતે જે શરતો હતી કે સાર્વજનિક ગણપતિની મૂર્તિ ચાર ફુટ કરતાં મોટી ન હોવી જોઈએ એમાં પણ આ વર્ષે ઢીલ મૂકી છે. વળી ઘરે લાવવામાં આવતા ગણપતિ પણ માત્ર શાડુ માટીના અથવા પર્યાવરણપૂરક જ હોવા જોઈએ એમાં પણ આ વર્ષ માટે રાહત આપી છે. જોકે સાર્વજનિક મંડળોને જે તકલીફ પડી રહી છે એ મુખ્યત્વે બીએમસીની પરવાનગી લેવામાં પડી રહી છે, કારણ કે બીએમસીની પરવાનગી લેવા માટે મંડળો પાસેથી જે ડેક્લેરેશન માગવામાં આવ્યું છે એ જૂનું કોવિડ વખતનું જ છે, જેમાં ચાર ફુટ ઊંચાઈની મર્યાદા અને અન્ય શરતો છે. એથી મોટા ભાગનાં મંડળોની પરવાનગીઓ અટકી પડી છે.

સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રમુખ નરેશ દહિબાવકરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું છે કે ‘સાર્વજનિક મંડળો દ્વારા કોવિડ વખતે એ ડેક્લેરેશનમાં જણાવેલી શરતોને આધીન રહીને ઉજવણી કરાઈ હતી, પણ હવે જ્યારે એ સમય નીકળી ગયો છે ત્યારે પણ એ જ શરતોનું પાલન કરવામાં આવે એવા ડેક્લેરેશનમાં સુધારો કરવો જોઈએ, જે થયો નથી. મુંબઈનાં લગભગ ૯૦ ટકા જેટલાં મંડળોની એ ડેક્લેરેશનને કારણે પરવાનગીઓ અટકી ગઈ છે. બીએમસીની એ પરવાનગી મળે એ પછી​ જ પોલીસ, આરટીઓ (ટ્રાફિક) અને ફાયર-બ્રિગેડની પરવાનગીઓ મળતી હોય છે. એ પરવાનગીઓ મળ્યા બાદ જ પંડાલ બાંધવાનું અને ડેકોરેશનનું કામ થઈ શકે છે. જો પરવાનગી મળવામાં જ મોડું થાય તો એ કામ ક્યારે થશે એની ચિંતા મંડળોને સતાવી રહી છે. અમે એથી બીએમસીને પત્ર લખી એ ડેક્લેરેશનમાં સુધારો કરવા કહ્યું છે જેથી પરવાનગીઓ આપવામાં ઝડપ કરી શકાય, પણ હજી સુધી તેમના તરફથી કોઈ જ ઍક્શન લેવામાં આવી નથી અને અમે જ્યારે ફૉલો-અપ કરીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અધિકારીઓ મીટિંગમાં છે.’

બીએમસીનું શું કહેવું છે?
બીએમસીના ઝોન-૨ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમાકાંત બિરાદરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે જ આ સમસ્યાનો ઉકેલ લાવ્યા છીએ અને એ શરતો ડેક્લેરેશનમાંથી પડતી મૂકીને એ બાબતનો સુધારો કર્યો છે. આ સુધારો ‍વેબસાઇટ પર પણ અપલોડ કરાયો છે અને બીએમસીના ૨૪ વૉર્ડમાં પણ એ વિશે જાણ કરાઈ છે. અમારી પાસે ૫૦૦ જેટલી અરજી આવી હતી. એમાંથી ૩૫૦ જેટલી અરજી ક્લિયર કરાઈ છે. હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે એટલે કોઈને તકલીફ નહીં પડે.’    

ganesh chaturthi ganpati brihanmumbai municipal corporation mumbai mumbai news bakulesh trivedi