ઇચ્છાપૂર્તિ કરવા નોખું સેલિબ્રેશન

22 September, 2023 10:10 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગણપતિબાપ્પા લાવવાની નાનપણની ઇચ્છા પૂરી કરવા જૈન યુવાને લીધું હટકે પગલું

બાપ્પાના વિસર્જન વખતે દિવ્ય ફોફાણી (જમણે) અને માનવ ઠક્કર

ગણપતિબાપ્પા લાવવાની નાનપણની ઇચ્છા પૂરી કરવા જૈન યુવાને લીધું હટકે પગલું : સ્લો-લર્નર અને અનાથ જોડિયાં ભાઈ-બહેનના ઘરે ગણેશજીની પધરામણી કરાવી; એટલું જ નહીં, તેમના ઘરની સાફસફાઈથી લઈને વિસર્જન સુધીની બધી જ જવાબદારી ઉપાડીને પોતે આનંદ કરવાની સાથે ફૉલોઅર્સ અને ફ્રેન્ડ્સને પણ કરાવ્યો

મુંબઈના હીરાબજારમાં ડાયમન્ડનો બિઝનેસ કરતા પિતાના પરંપરાગત ધંધાથી કંઈક અલગ કરવાની ઇચ્છા ધરાવતા દિવ્ય ફોફાણીએ પોતાની અલગ જ કેડી કંડારી હતી. એટલું જ નહીં, આજકાલ યુવાનોમાં જે ટ્રેન્ડમાં છે એ ડિજિટલ ક્રીએટર અને ઇન્ફ્યુએન્સર બન્યો. તેના ઇન્સ્ટા પર એક લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે. જોકે તે જૈન છે એટલે બરાબર ગણપતિ પહેલાં જ તેના પર્યુષણ ચાલતા હોય છે અને ઉપવાસ કરતો હોય છે. તેની નાનપણથી ઇચ્છા હતી કે ગણપતિ પધરાવવા જોઈએ અને ધૂમધડાકાથી એની ઉજવણી કરવી જોઈએ. એ ઇચ્છા તેણે આખરે પૂરી કરી હતી અને એ પણ હટકે. તેણે એક સ્લો-લર્નર અનાથ જોડિયાં ભાઈ-બહેન અને એમાં પણ કાકા અને ફોઈના સહારે જીવતાં ભાઈ-બહેનને ત્યાં ગણપતિબાપ્પાની પધરામણી કરીને ધામધૂમથી એની ઉજવણી કરી હતી.

આ બાબતે માહિતી આપતાં દિવ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને નાનપણથી ઇચ્છા હતી કે ગણપતિની ઉજવણી કરવી. જોકે હું જૈન છું એટલે એ થઈ શકતું નહોતું. જોકે આ બાબતની ચર્ચા મેં મારા વિડિયોગ્રાફર સુજલને કરી ત્યારે તેણે કહ્યું કે તારા ઘરમાં ગણપતિ લાવવા કરતાં જે લોકો લાવવા માગે છે, પણ તેમની કૅપેસિટી નથી તેમને જો મદદ કરે તો સારું. એટલે મેં તેને કહ્યું કે ઓકે, તું જ સજેસ્ટ કર. તેણે મને સજેસ્ટ કર્યું કે કસ્તુરબા હૉસ્પિટલની પાછળ‍ આવેલી બેઠી ચાલના શાંતિનગરમાં એક જોડિયાં સ્લો લર્નર ભાઈ-બહેન માનવ અને માનસી ઠક્કર રહે છે. તેમની માતાનું વર્ષો પહેલાં અને પિતાનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું છે. તેમના પિતા રેલવેમાં કામ કરતા હતા. તેઓ બીમા​ર હતા અને પછી ગુજરી ગયા હતા. તેમનું પેન્શન આવે છે જેના આધારે બંને ભાઈ-બહેનનું તેમના વૃદ્ધ કાકા મહેશભાઈ અને ફોઈ જયાબહેન ધ્યાન રાખે છે. ગયા વર્ષે આ પરિવારે ગણપતિબાપ્પા બેસાડ્યા હતા અને તેમની ઓછી પૂંજીમાં પણ ભક્તિભાવથી પૂજા કરી હતી. આ વખતે મેં તેમની મુલાકાત લીધી ત્યાર બાદ નક્કી કર્યું કે તેમના ઘરે ગણપતિબાપ્પાની પધરામણી કરવી; એટલું જ નહીં, એ માટેની બધી જ જવાબદારી પણ ઉપાડવી. એમાં માત્ર આર્થિક જ નહીં, દરેકેદરેક નાની બાબતોને પણ મેં સામેલ કરી દીધી. એમાં શરૂઆત ઘરની સફાઈથી થતી હતી. મેં તો ઝપલાવ્યું જ, સાથે મારા મિત્રો અને ફૉલોઅર્સને પણ આ નોબલ કૉઝમાં જોડાવાનું આહવાન કર્યું. આમ બધા જોડાતા ગયા અને કારવાં બનતા ગયા.’  

દિવ્ય ફોફાણીએ વધુમાં કહ્યું હતું કે ‘અમે ઘર પણ સાફ કર્યું. ડેકોરેશન માટે લાલબાગથી સામાન લઈ આવ્યા અને દોઢ દિવસ માટે બાપ્પાની મૂર્તિ પણ પધરાવી. પરંપરાગત રીતે તેમની પૂજા-આરતી પણ માનવ અને માનસીના હાથે કરાવડાવી. તેમનો પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો. મારા ફૉલોઅર્સ અને મિત્રોએ પણ મહેનત લીધી હતી. ઇટ વૉઝ ઑલ કલેક્ટિવ એફર્ટ્સ. આપણી ખુશી માટે તો આપણે કરીએ જ, પણ બીજાની ખુશી માટે કરવું અને ત્યાર બાદ તેમના ચહેરા પર જે ખુશી દેખાય એ અનબિલીવેબલ હોય છે. માનવ તો એટલો ઇન્વૉલ્વ થઈ ગયો હતો કે જ્યારે અમે ઢોલ–તાશા સાથે ફુલ ફૉર્મમાં ગણપતિબાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા કરીને વિસર્જન માટે નીકળ્યા ત્યારે તે સહેજ ધ્રૂજતો પણ હતો અને બાપ્પાને છોડવા જ તૈયાર નહોતો. ખરેખર, આ અનુભવ બહુ જ અલગ હતો. વી ઑલ આર વેરી હૅપી.’  

એ લોકો અમારા માટે ભગવાન બનીને આવ્યા
ગણપતિબાપ્પાની આવી જોરદાર પૂજા અને ઉજવણીથી ઠક્કર પરિવાર બહુ જ ખુશ થઈ ગયો હતો. માનવે પોતાનો અનુભવ શૅર કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ લોકો અમારા માટે ભગવાન બનીને આવ્યા હતા. ગણપતિ લાવવાના હતા અને હું મૂંઝાઈ ગયો હતો કે કઈ રીતે મૂર્તિ લાવીશું? કેવું ડેકોરેશન કરીશું? કઈ રીતે પૂજા કરીશું? જોકે એ પછી સુજલભાઈએ ​મને દિવ્યભાઈની ઓળખાણ કરાવી. તેમણે બધી જ જવાબદારી ઉપાડી લીધી. દિવ્ય અને તેના દોસ્તોએ બહુ જ મજા કરાવી. તેમણે ઢોલવાળાને બોલાવ્યા અને પૂજા પણ કરાવી. અમે તો ભગવાનને પ્રાર્થના કરી કે અમને દર વર્ષે આવી મજા કરાવો.’ 

ganpati ganesh chaturthi diamond market jain community mumbai mumbai news bakulesh trivedi