બાપ્પાને પધરાવવા બલિદાનનો સહારો

21 September, 2023 08:20 AM IST  |  Mumbai | Viral Shah

બોરીવલીમાં ગુજરાતીઓની બહુમતી ધરાવતા માધવબાગમાં ગણપતિબાપ્પાની પધરામણીને લઈને સોસાયટી અને ત્યાંના એક ભાડૂત વચ્ચે ખટરાગ થતાં તેણે કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ. જોકે સમયસર ટ્રીટમેન્ટ મળી જતાં અત્યારે રિયાલ શાસ્ત્રીની તબિયત સારી છે

બોરીવલી (વેસ્ટ)ની જાંબલી ગલીમાં આવેલા માધવબાગમાં બિરાજમાન ગણપતિબાપ્પા અને આત્મહત્યાની કોશિશ કરનાર રિયાલ શાસ્ત્રી

આ ઘટનાને પગલે હવે દર વર્ષની જેમ બાપ્પાની પધરામણી પણ થઈ ગઈ છે

અત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આપણે સૌ ગણેશમય થઈ ગયા છીએ ત્યારે બોરીવલી (વેસ્ટ)માં જાંબલી ગલીમાં આવેલી એક ચાલી (જે જર્જરિત હાલતમાં હોવાથી તોડી પાડવામાં આવી હતી)ના પ્રાંગણમાં આ વર્ષે શાસ્ત્રી પરિવારને ગણેશોત્સવનું આયોજન કરવાની પરવાગની આપવામાં ન આવતાં રિયાલ શાસ્ત્રી (૪૫)એ ગયા શનિવારે ગણપતિબાપ્પાના મંડપમાં જ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે તેમને તરત જ કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તેઓ બચી ગયા હતા. આ ઘટના બાદ સોસાયટીએ કોઈ વાંધો ન લેતાં અત્યારે ત્યાં ગણરાયા બિરાજમાન છે. શાસ્ત્રી પરિવાર છેલ્લાં ૫૪ વર્ષથી માધવબાગ ફ્રન્ટ ચાલી અને માધવબાગ સોસાયટીમાં ગણપતિબાપ્પાની સ્થાપના કરતો આવ્યો છે, પણ ચાલી તૂટી ગયા બાદ આ વર્ષે રિયાલ શાસ્ત્રીને વિઘ્નહર્તાની સ્થાપનાની પરવાનગી ન મળતાં કંટાળીને ૧૬ સપ્ટેમ્બરે બપોરે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ‘બાપ્પા, અમુક લોકો તમને અમારી પાસે આવવા નથી દેતા એટલે હું જ તમારી પાસે આવી જાઉં છું’ એવું કહીને તેમણે મંડપમાં જ ફિનાઇલ ગટગટાવી દીધું હતું.

જાંબલી ગલીમાં ‘શાસ્ત્રી પરિવારચા રાજા’ના નામે જાણીતા આ ગણરાયા અત્યારે બિરાજમાન છે અને પૂર્ણ ભક્તિભાવ સાથે તેમની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે, જ્યારે રિયાલ શાસ્ત્રીને હૉસ્પિટલમાંથી રજા મળતાં તેઓ અત્યારે ઘરે આરામ કરી રહ્યા છે. આવું અંતિમ પગલું ભરવાની જરૂર કેમ પડી એવું પૂછતાં રિયાલ શાસ્ત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિ કારણ વગર તો પોતાનો જીવ આપવાની કોશિશ ન કરે. હું બધેથી થાકી-હારી ગયો હોવાથી મારે આ પગલું ભરવું પડ્યું હતું. મને સતત બીએમસીમાંથી મંડપ તોડવા માટે દબાણ કરવામાં આવતું હતું. સતત ફોન કરીને મને કહેવામાં આવે કે તમે મંડપ ખોલો છો કે અમે આવીને તોડી નાખીએ? અમારી ચાલી જ્યારે તોડી ત્યારે હું મારું ઘર પણ બચાવી નહોતો શક્યો તો અત્યારે મંડપ કઈ રીતે બચાવી શકીશ એવો વિચાર મને સતત આવતો હતો. ત્યારે મને થયું કે હું રહું તો ઉપાધિ થાય અને મને મારી આસ્થા પૂરી કરવાનું મન થાય. બસ, આ જ વિચારો સતત આવતા હોવાથી મેં અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો. ગણપતિબાપ્પાને પધરાવવા જેવી નાની બાબતને લઈને આવી હેરાનગતિ કોઈની નહીં થઈ હોય. આના કરતાં તો બ્રિટિશરાજમાં ગુલામી હોવા છતાં સારું હતું. આપણને આપણી ધાર્મિક વિધિ કરવાની છૂટ તો હતી.’

સોસાયટીની પરવાનગી બાબતે તેમણે કહ્યું હતું કે ‘મેં ગણપતિબાપ્પાનાં દર્શનનું આમંત્રણ આપવા માટે સોસાયટીના સેક્રેટરી અને અમારા બિલ્ડરને ફોન કર્યો હતો. સેક્રેટરીએ મને કહ્યું કે અમને તમારા મંડપની ફરિયાદ મળી હોવાથી તમે આ વખતે ગણેશોત્સવ નહીં કરો. ત્યાર બાદ તેમણે કહ્યું કે આ મારો નહીં, આખી કમિટીનો નિર્ણય છે. ત્યાર બાદ તેમણે મને અરજી આપવાનું કહીને કહ્યું હતું કે અમે એના પર ચર્ચા કરીને તમને જણાવીશું. એટલે મારા પપ્પા તેમને અરજી પણ આપી આવ્યા હતા. જોકે નવાઈની વાત એ હતી કે તરત જ મને બીએમસીમાંથી ફોન આવવાના શરૂ થઈ ગયા. તેમનું કહેવું હતું કે સોસાયટી તરફથી અમને ફરિયાદ મળી હોવાથી તમે મંડપ ખોલી નાખો, નહીં તો અમે તોડી નાખીશું. બીએમસીએ આજ સુધી મને ફરિયાદનો લેટર નથી બતાવ્યો. આ રીતે મને બધા હૅરૅસ કરી રહ્યા હોવાથી સહન‌શક્તિ ખૂટી જતાં મારે આવો નિર્ણય લેવો પડ્યો હતો.’

આ સંદર્ભમાં માધવબાગ સોસાયટીના સેક્રેટરી શરદ રામૈયા (ભાટિયા)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આમાં પોલીસકેસ થયો હોવાથી પોલીસ જ તમને સરખો જવાબ આપી શકશે. જોકે ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ‘રિયાલ શાસ્ત્રીએ સોસાયટીના પ્રિમાઇસિસમાં ગણેશોત્સવ કરવા માટે પરવાનગી નહોતી લીધી. અત્યાર સુધી તેઓ પોતાની રૂમમાં ગણપતિ લાવતા હતા. જાહેરમાં ગણેશોત્સવ કરવામાં કોઈ ઍક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? તેમણે આ ઘટનાના એક દિવસ પહેલાં જ પરવાનગી માગતો લેટર અમને આપ્યો હતો, પણ પર્યુષણ હોવાથી કમિટીના બે-ત્રણ જણ મોજૂદ નહોતા અને હું એકલો આ બાબતે નિર્ણય લઈ શકું એમ નહોતો.’

બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે આત્મહત્યાની કો‌શિશ કરનારી વ્યક્તિનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે અને અમારી તપાસ ચાલુ છે. અત્યારે અમે રિયાલ શાસ્ત્રીનો ફિનાઇલ પીવા પાછળ ગણપતિની સ્થાપનાનો જ આશય હતો કે બીજું કંઈ એની પણ તપાસ કરી રહ્યા છીએ.’

આ સંદર્ભમાં સ્થાનિક વૉર્ડ ઑફિસર સંધ્યા નાંદેરકરનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં આત્મહત્યાની કો‌શિશ કરનાર વ્યક્તિ અને તેની સોસાયટી વચ્ચે કોઈ ખટરાગ છે. અમે તો માત્ર ૧૦૦ રૂપિયામાં પરવાનગી આપીએ છીએ, પણ તેની સોસાયટી જ મંડપ બાંધવા માટે તેને પરવાનગી આપતી નહોતી. કોઈએ પણ પરમિશન વગર ગેરકાયદે કામ ન કરવું જોઈએ.’

 

ganpati ganesh chaturthi borivali mumbai mumbai news