Ganeshotsav 2023: તહેવારો શરૂ થતાં પહેલાં મીઠાઈઓ અને માવાની ગુણવતા ચકાસશે બીએમસી

15 September, 2023 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીટીઆઈના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થતો 10 દિવસીય ગણેશ ઉત્સવ (Ganeshotsav 2023), દેશમાં તહેવારોની મોસમની શરૂઆત થવાની છે. કારણ કે ગણેશોત્સવ બાદ તરત જ નવરાત્રી, દશેરા, દિવાળી અને નાતાલ આવશે

પ્રતીકાત્મક તસવીર

તહેવારો પહેલાં BMCએ અધિકારીઓને દુકાનો દ્વારા વેચાતી મીઠાઈઓ અને માવાની ગુણવત્તા ચકાસવા ડ્રાઈવ શરૂ કરી છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ તેના આરોગ્ય વિભાગના અધિકારીઓને ભેળસેળને કારણે ફૂડ પોઈઝનિંગની કોઈ ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે ઉપયોગમાં લેવાતી મીઠાઈઓ અને માવા (Quality of Sweets and Mawa)ની ગુણવત્તા ચકાસવા માટે એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવો અહેવાલ પીટીઆઈએ આપ્યો છે.

પીટીઆઈના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થતો 10 દિવસીય ગણેશ ઉત્સવ (Ganeshotsav 2023), દેશમાં તહેવારોની મોસમની શરૂઆત થવાની છે. કારણ કે ગણેશોત્સવ બાદ તરત જ નવરાત્રી, દશેરા, દિવાળી અને નાતાલ આવશે.

ગુરુવારે જાહેર કરાયેલ એક અખબારી યાદીમાં, બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ પહેલા, અધિકારીઓને 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઈવ શરૂ કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ઝુંબેશ હેઠળ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને મીઠાઈની દુકાનો અને કૉલ્ડ સ્ટોરેજની મુલાકાત લઈને મીઠાઈ અને માવાની ગુણવત્તા તપાસવા માટે કહેવામાં આવ્યું છે.

મહાનગર પાલિકાએ મીઠાઈઓ અને દૂધ-આધારિત ઉત્પાદનોનું વેચાણ કરતી સંસ્થાઓને તહેવારની મોસમ દરમિયાન ફૂડ પોઈઝનિંગની કોઈપણ ઘટનાને ટાળવા માટે ખાસ કાળજી લેવા જણાવ્યું હતું. જો આ વસ્તુઓનો રંગ અથવા ગંધ બદલાય તો લોકોને મીઠાઈઓ ન ખાવાની વિનંતી કરી અને આવા કિસ્સાઓમાં BMCને તેની જાણ કરવા પણ કહ્યું છે.

દરમિયાન, મુંબઈ મહાનગરમાં વિવિધ સરકારી સત્તાવાળાઓ સાથેની અતિક્રમણ હટાવવાની સમિતિની તાજેતરની બેઠકમાં, મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે વિવિધ સરકારી એજન્સીઓને અતિક્રમણ દૂર કરવા સાથે મળીને કામ કરવા સૂચના આપી હતી. તેમણે અતિક્રમણ હટાવવાની કામગીરીના સંગઠિત રેકૉર્ડ તૈયાર કરવા અને જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં, ચહલે પોલીસ તંત્રને અતિક્રમણ હટાવવાની પ્રક્રિયાઓ દરમિયાન માનવબળ પૂરું પાડવાને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો હતો. ચહલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ એજન્સીઓના અધિકારીઓએ હાજરી આપી હતી.

સિવિક એડમિનિસ્ટ્રેટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ સંબંધિત એજન્સીઓએ સરકારી પ્લોટ પરના અતિક્રમણને દૂર કરવા માટે અસરકારક પગલાં લેવા જોઈએ અને વિવિધ સત્તાના સ્તરે અતિક્રમણ ક્લિયરન્સ કામગીરીના વ્યાપક રેકૉર્ડ જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે આ માહિતી તપાસ અને કાનૂની કાર્યવાહી માટે મહત્વપૂર્ણ છે. ચહલે સરકારી એજન્સીના પ્લોટ પર ભંગાર ડમ્પિંગનો અંત લાવવાનું પણ આહ્વાન કર્યું હતું અને ભલામણ કરી હતી કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને સ્થાનિક પોલીસ આવા વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાને પ્રાથમિકતા આપવામાં આવે.

ganesh chaturthi brihanmumbai municipal corporation mumbai food food and drug administration mumbai mumbai news