19 September, 2024 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેન્જ ઇઝ અસ નામની સંસ્થાએ કચરો કર્યો સાફ
કૉલેજ અને સ્કૂલના યુવાનોની બિનસરકારી સંસ્થા ચેન્જ ઇઝ અસ દ્વારા ગઈ કાલે ગણપતિબાપ્પાની મૂર્તિના વિસર્જન પછી ગિરગામ ચોપાટીના દરિયાકિનારાની સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેકટમાં ૨૦૦૦થી વધુ સ્વયંસેવકોએ સાથે મળીને ચંપલો, તૂટેલી સરઘસની ચીજવસ્તુઓ, પ્લાસ્ટિકની પાણીની બૉટલો, ફૂડ-પૅકેટો અને ગણપતિની મૂર્તિના અવશેષો સહિત ૪૨,૦૦૦ કિલો કચરો સાફ કર્યો હતો. આ ઉપરાંત ગણેશની મૂર્તિઓને દરિયાકિનારા પર આદરપૂર્વક બાજુમાં રાખવામાં આવી હતી. આ સંસ્થા છેલ્લાં પાંચ વર્ષથી દરિયાકાંઠાઓને સ્વચ્છ અને સુંદર બનાવવાની કવાયત કરી રહી છે.
આ પહેલાં આ સંસ્થાના સ્થાપક તન્મય ઝવેરીની આગેવાની હેઠળ યુવાનોએ પરંપરાગત ઉજવણીઓથી આગળ વધીને પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ તરફ પહેલ કરી હતી. એ અંતર્ગત ૩૫૦થી વધુ સ્વયંસેવકોએ સાથે મળીને ગિરગામ ચોપાટીના દરિયાકિનારાને સાફ કરીને સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરી હતી. એ સમયે ૪.૬ ટનથી વધુ કચરો સાફ કરીને બીચને સુંદર બનાવ્યો હતો.
તન્મય ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચરાનું વજન એક મોટા ઘમેલાના આધારે ગણતરી કરીએ છીએ. અમારી રીતે એક ઘમેલામાં અંદાજે ૩૫ કિલો કચરો સમાય છે તેમ જ ગણપતિની મૂર્તિના અવશેષોનું વજન પણ વધારે હોય છે. એ રીતે અમે કચરાના વજનની ગણતરી કરીએ છીએ. આ પ્રવૃત્તિનો મેઇન ઉદ્દેશ પર્યાવરણ બચાવવા માટેનો જ છે.’