કૃત્રિમ તળાવોમાં મૂર્તિવિસર્જનમાં થયો પોણાબે ગણો વધારો

25 September, 2023 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચમા દિવસે ગયા વર્ષે ૧૮,૨૦૬ મૂર્તિ વિસર્જિત કરાઈ હતી, એની સામે આ વર્ષે ૩૨,૭૧૯ મૂર્તિ પધરાવાઈ

ફાઇલ તસવીર

શનિવારે આ વખતના ગણેશોત્સવના પાંચમા દિવસે મુંબઈનાં વિવિધ વિસર્જન-સ્થળોએ કુલ ૮૧,૫૭૦ ગણેશમૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી. આમાંથી ૩૨,૭૧૯ મૂર્તિઓ બીએમસી દ્વારા ઊભાં કરવામાં આવેલાં કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરવામાં આવી હતી. ગયા વર્ષે આવાં તળાવોમાં ૧૮,૨૦૬ મૂર્તિ પધરાવાઈ હતી. એથી ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પાંચ દિવસની મૂર્તિઓના વિસર્જનમાં પોણાબે ગણો વધારો થયો છે. બીએમસીએ દાવો કર્યો છે કે કૃત્રિમ તળાવોમાં મૂર્તિના વિસર્જનમાં વધારો થવાથી પર્યાવરણને ઓછું નુકસાન થયું છે. બીએમસીએ જારી કરેલા આંકડા મુજબ ગઈ કાલે સવારે ૭ વાગ્યા સુધી પાંચમા દિવસે ઘરે કે સાર્વજનિક સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી કુલ ૮૧,૫૭૦ ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાંથી ૩૨,૬૧૯ મૂર્તિ બીએમસી દ્વારા શહેરના તમામ ૨૪ વૉર્ડમાં ઊભાં કરવામાં આવેલાં કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરવામાં આવી હતી.

રવિવાર સવાર સુધી પાંચમા દિવસના ગણપતિની મૂર્તિનું વિસર્જન પૂરું થયા બાદ તમામ વિસર્જન-સ્થળે બીએમસી દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગઈ કાલે સવારે ગિરગામ ચોપાટી, દાદર, માહિમ, બાંદરા, જુહુ, વર્સોવા, આક્સા અને ગોરાઈ બીચ જેવા દરિયાકિનારા પર સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી, જેમાં ૩૦ મેટ્રિક ટન કચરો ભેગો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવ્યો હતો.

ganpati ganesh chaturthi visarjan brihanmumbai municipal corporation mumbai mumbai news