12 September, 2024 07:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક ગણપતિદાદાને પચાસ ગોલ્ડ રોઝનો હાર ચડાવાયો હતો, લાલબાગચા રાજાને ચડાવેલો બસો ગોલ્ડ રોઝનો હાર.
લાલબાગચા રાજા અને સિદ્ધિવિનાયક ગણપતિજીને સુરતના જ્વેલર્સે ચોવીસ કૅરૅટ ગોલ્ડ રોઝના હાર ચડાવીને ફૅમિલી સાથે ગણપતિબાપ્પાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સુરતમાં આવેલી ડી. ખુશાલભાઈ જ્વેલર્સના દીપક ચોકસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે મુંબઈમાં આવેલા લાલબાગચા રાજાને નવ ફુટ લાંબો અને ચોવીસ કૅરૅટના બસો ગોલ્ડ રોઝનો હાર ચડાવ્યો હતો. લાલબાગચા રાજાની પ્રતિમાનું ડાયમેન્શન મેળવીને અમે ખાસ ગોલ્ડનો હાર તૈયાર કર્યો હતો. ત્યાર બાદ પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિને ચોવીસ કૅરૅટના પચાસ ગોલ્ડ રોઝ સાથેનો બે ફુટનો હાર ચડાવ્યો હતો. ચોવીસ કૅરૅટના ગોલ્ડ ફૉઇલમાંથી ગોલ્ડ રોઝ બનાવ્યા હતા. હાર બનાવવામાં ચાર કારીગરને છ દિવસનો સમય લાગ્યો હતો. આ બન્ને હાર ભગવાન ગણેશજીને ચડાવવાના હોવાથી એ અમારા માટે અમૂલ્ય છે. આ અમારી કલાકારીગરી છે જે અમે ભગવાનને અર્પણ કરીએ છીએ. અમારે કોઈ બાધા કે માનતા નથી, પણ ખુશીથી આ ગોલ્ડ રોઝના હાર ચડાવ્યા છે. મારી સાથે મારાં મિસિસ, મારા ભાઈ અને તેમનાં મિસિસ સાથે હતાં અને અમે શ્રદ્ધાપૂર્વક દાદાનાં દર્શન કર્યાં હતાં. આ પહેલાં પણ ગયા વર્ષે લાલબાગચા રાજા અને પુણેમાં દગડુ શેઠ ગણપતિને ગોલ્ડ રોઝનો હાર ચડાવ્યો હતો. લાલબાગચા રાજા મંડળના પદાધિકારીઓએ સુવેનિયર અમને ભેટ આપીને સન્માન કર્યું હતું.’
માર્કેટમાં એક ગોલ્ડના રોઝનો સરેરાશ ભાવ ૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.