29 January, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હવે આપણે સૌ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતાં થઈ ગયા છીએ. આ માટે ઘણી જાણીતી કંપનીઓમાંથી ફૂડ મંગાવવામાં આવે છે. પણ જ્યારે વિશ્વાસુ કંપનીની સર્વિસમાં ગડબડ થાય ત્યારે ખરેખર આપણે મૂકેલો વિશ્વાસ જોખમાય છે. હા, તાજેતરમાં જ મુંબઈના ક્લાઉડ કિચનમાંથી એક યુઝરે પનીર ડિશનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ થયું એવું કે આ યુઝરના હાથમાં આવ્યું ચિકન! ને પછી આ યુઝરે પોતાને થયેલો આ કડવો અનુભવ (Fresh Menu Viral Video) સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો. આવો, જાણીએ આ સમગ્ર બાબતને.
આ મુદ્દે એક વિડીયો (Fresh Menu Viral Video) વાયરલ થયો છે. @octanexoxygen નામના યુઝરે દાવો કર્યો હતો કે તેણે ફ્રેશ મેનૂમાંથી પનીરની કોઈ ડિશ મંગાવી હતી પરંતુ તેના બદલે તેને ચિકન મળ્યું હતું. આ સાથે જ તે યુઝરે કહ્યું છે કે ફ્રેશ મેનૂ ઘણીવાર તેની ઓછી કિંમત માટે સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ પર પૉપ અપ થાય છે. પરંતુ આ ઓછી કિંમત સામે શું મળે છે તે જોઈને આશ્ચર્ય પમાઈ જવાય છે.
હવે વાત કરીએ આ વીડિયોની. યુઝરે કલીના, સાન્તાક્રુઝ ઈસ્ટના ક્લાઉડ કિચનની મુલાકાત લીધી હતી. તેણે જોયું કે તે સ્થળની આજુબાજુની ગલી કાદવભરેલી હતી. ગંદા પાણીથી ખાડાઓ ભરેલા હતા. બિલ્ડિંગ પણ ખખડધજ હતી. રંગ પણ ઊડી ગયો હતો. જોઈને પણ ઊબકા આવે તેવી આ વાત છે. મૂળ, આ વ્યક્તિએ આ વિસ્તારમાં જે ગંદકી હતી તેને લોકો સુધી મૂકી છે.
સ્ટાફ નવો હતો માટે આવી ગડબડ થઈ- કંપનીએ સ્વીકાર્યું
આ જ યુઝરે (Fresh Menu Viral Video) ભાગ બીજો એમ કરીને અન્ય એક વીડિયો પણ અપલોડ કર્યો છે, જેમાં તે ક્લાઉડ કિચનની અંદર દેખાય છે. ત્યાંના સ્ટાફને તે જે રીતે ઓર્ડરમાં ગોટાળો થયો છે તે વિષે વાત ક્રે છે. ત્યારે સ્ટાફ મેમ્બર ભૂલ સ્વીકારતાં કહે છે કે ખરેખર આ પનીર નહીં પણ ચિકન છે. ત્યારે યુઝર કહે છે કે, "તેઓએ ભૂલ સ્વીકારી છે પરંતુ કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે સ્ટાફ નવો હતો અને હમણાં જ જોડાયો હતો."
લોકોએ કમેન્ટ સેકશનમાં જે ઊભરો ઠાલવ્યો છે તે જોઈએ
કોઈ યુઝરે (Fresh Menu Viral Video) લખ્યું કે, "એટલે જ હું હંમેશા Google Maps પર તેમના રેટિંગ અને ફોટા તપાસું છું અને પછી ઓર્ડર આપું છું."
કોઈએ ટીકા કરતાં લખ્યું કે "ફ્રેશ અનહાયજેનિક મેનુ."
કોઈ લખે છે કે, "ઝોમેટોએ તેમની ઍપ પર તમામ ઓનલાઈન રેસ્ટોરન્ટના બહારના-અંદરના ફોટાઓ પણ મૂકવા જોઈએ"
એક જણ તો સ્વિગી અને ઝોમાટો ને લઈ ઓનલાઈન ઓર્ડર કરવા મુદ્દે કહે છે- "મુંબઈમાં 70 ટકા આવા આઉટલેટ લિસ્ટેડ છે, સ્વિગી અને ઝોમાટો પર. ક્યારેય ઓનલાઈન ઓર્ડર ન કરો"