18 February, 2023 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરીની કૅન્સર હૉસ્પિટલમાં ૩૧ માર્ચ સુધી કૅન્સરની ફ્રી સર્જરી
મુંબઈ : અંધેરી-વેસ્ટમાં આવેલી એસએસઓ હૉસ્પિટલમાં કૅન્સરના ૧૨ ડૉક્ટરોની એક ટીમ ૩૧ માર્ચ સુધી કૅન્સર સર્જરી કૅમ્પ અંતર્ગત વિવિધ ઑર્ગન્સનાં કૅન્સરનાં ઑપરેશન કોઈ પણ જાતના કન્સલ્ટિંગ ચાર્જિસ, સર્જ્યન ચાર્જિસ કે હૉસ્પિટલના બેડના ચાર્જિસ વગર કરી રહ્યા છે. જોકે આ હૉસ્પિટલમાં કૅન્સરના પેશન્ટ્સે દવાના, ઑપરેશન વખતે ઉપયોગમાં લેવામાં આવતી કન્ઝ્યુમેબલ આઇટમના અને ઇન્વેસ્ટિગેશનના પૈસા ચૂકવવાના રહેશે. અત્યાર સુધી આ સર્જરી કૅમ્પનો લાભ લેવા માટે ૧૬ પેશન્ટ્સ આગળ આવ્યા છે, જેમાંથી પાંચ પેશન્ટની સારવાર ઑલરેડી ડૉક્ટર કરી ચૂક્યા છે.
આ હૉસ્પિટલમાં અત્યારે કૅન્સર સર્જરી કૅમ્પ અંતર્ગત બ્રેસ્ટ, ઓરલ, પ્રોસ્ટેટ, બ્લૅડર, ઍબ્ડૉમિનલ અને થોરાસિસ, હેડ અને નેક, સેરવિકલ અને ઓવેરિયન તેમ જ બોન અને સૉફટ ટિશ્યુ જેવાં કૅન્સરનાં ઑપરેશન કરવામાં આવી રહ્યાં છે. ડૉ. સંકેત મહેતા સહિત ૧૨ ડૉક્ટરોની ટીમમાં દરેક ઑર્ગન્સના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર્સ છે, જેઓ તેમના પેશન્ટ્સની સર્જરી કરે છે.
અમે ઑપરેશનની શરૂઆત કરી ત્યારે અમને ખબર પડી કે કોવિડના નબળા સમયમાં લોકો કેવી રીતે ઝઝૂમી રહ્યા છે અને લોકોની જરૂરિયાત કેટલી છે એ સંદર્ભે જાણકારી આપતાં મૂળ મોરબીના જૈન ડૉ. સંકેત મહેતાએ કહ્યું હતું કે ‘અમે લૉકડાઉનના ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં ૭૦થી ૮૦ ઑપરેશન કર્યાં હતાં. અમે લોકોની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો ત્યારે અમને ખબર પડી કે સાતથી આઠ ટકા પેશન્ટ્સને કૉર્પોરેટ હૉસ્પિટલ પરવડે છે. ૩૦થી ૪૦ ટકા પેશન્ટ્સ સરકારની વિવિધ હેલ્થ યોજનાનો ફાયદો લે છે. બાકીના એવા પેશન્ટ્સ છે જેમને કૉર્પોરેટ હૉસ્પિટલ પરવડતી નથી અને તેમનો સરકારી યોજનાઓમાં સમાવેશ થતો નથી. આથી તેઓ ક્વૉલિટી સારવાર મેળવવાથી વંચિત રહે છે.’
લાભ કેવી રીતે મેળવશો?
ફ્રી ઑપરેશન સર્જરીનો લાભ લેવા ઇચ્છતા કૅન્સર પેશન્ટ્સ કે તેમના પરિવારજનો આ સ્કીમની વધુ માહિતી મેળવવા માટે હૉસ્પિટલના મોબાઇલ નંબર્સ 9372392003 અથવા 9920052700 પર સંપર્ક કરી શકે છે.