પાર્ટટાઇમ જૉબ કરવા જતાં મહિલાને લાગ્યો ૬.૭૪ લાખ રૂપિયાનો ચૂનો

30 September, 2023 08:39 AM IST  |  Mumbai | Mehul Jethva

બોરીવલીનાં ૪૫ વર્ષનાં લીના લાલને ઑનલાઇન કામ કરવા જતાં ૨૭ ટ્રાન્ઝૅક્શનમાં આટલા રૂપિયા ગુમાવ્યા : જોકે પોલીસે ગોલ્ડન અવરમાં બે લાખ કરતાં વધુની રકમ બચાવી લીધી

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : હાલમાં સાઇબર ફ્રૉડની ઘટનાઓ વધી ગઈ છે. એમાં પણ પાર્ટટાઇમ જૉબની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરવાની ઘટનાઓમાં વધારો થયો છે. આવી જ એક ઘટના બોરીવલીમાં સામે આવી છે. એમાં ગુજરાતી મહિલા સોશ્યલ મીડિયા પર પાર્ટટાઇમ જૉબ શોધી રહી હતી ત્યારે સાઇબર ગઠિયાનો નંબર મળી જતાં તેને ટાસ્ક પૂરો કરવાની નોકરી ઑફર કરવામાં આવી હતી. એમાં મહિલા સાથે ૬.૭૪ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હતી. જોકે પોલીસે ગોલ્ડન અવરમાં બે લાખ કરતાં વધુની રકમ બચાવી લીધી હતી.
બોરીવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર ભટ્ટ લેનમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં ૪૫ વર્ષનાં લીના મેહુલ લાલને કરેલી ફરિયાદ અનુસાર તેઓ ઑનલાઇન કામ શોધી રહ્યાં હતાં ત્યારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પાર્ટટાઇમ જૉબની એક જાહેરાત જોઈ હતી. એમાં મળેલા વૉટ્સઍપ નંબર પર ક્લિક કરીને નોકરી વિશે પૂછપરછ કરતાં અકારા નામના માણસે આમંત્રણ કોડ મોકલ્યો હતો અને કહ્યું હતું કે તમે ૧૦૦ ટકા ટાસ્ક પૂરો કરશો એટલે એના પર કમિશનના આધારે ચુકવણી કરવામાં આવશે. એ માટે તૈયાર થયેલાં ફરિયાદીએ ધીરે-ધીરે ૬,૭૪,૭૮૧ રૂપિયા ટાસ્ક જૉબ માટે ટ્રાન્સફર કર્યા હતા. અંતે એ પૈસાની સાથે કમાયેલા પૈસા પણ પાછા ન મળતાં પોતાની સાથે થયેલી સાઇબર છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બોરીવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાએ આશરે ૨૭ ટ્રાન્ઝૅક્શનમાં આરોપીને પૈસા મોકલ્યા છે. નૅશનલ સાઇબર કન્ટ્રોલ પર ફરિયાદ કરતાં ગોલ્ડન અવરમાં બે લાખ રૂપિયા કરતાં વધુ રકમ પાછી મેળવવામાં સફળતા મળી છે. બાકીની રકમ રિકવરી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.’

mumbai news cyber crime borivali