વેસ્ટર્ન અને સેન્ટ્રલનાં ચાર-ચાર સ્ટેશનની ૫૩૪ કરોડ રૂપિયાના ખર્ચે થશે કાયાપલટ

10 July, 2022 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેનાં ચાર અને વેસ્ટર્ન રેલવેનાં ચાર એમ કુલ ૮ જ સ્ટેશન માટે કૉન્ટ્રૅક્ટરોએ રસ દાખવ્યો છે

ફાઇલ તસવીર

મુંબઈગરાને સ્ટેશનો પર સારી સુવિધાઓ મળી શકે એ માટે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને કુલ ૧૮ સ્ટેશનનું ૯૫૦ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એ માટે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. જોકે એમાંથી  સેન્ટ્રલ રેલવેનાં ચાર અને વેસ્ટર્ન રેલવેનાં ચાર એમ કુલ ૮ જ સ્ટેશન માટે કૉન્ટ્રૅક્ટરોએ રસ દાખવ્યો છે. હવે એ સ્ટેશનોનું ૫૩૪ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે.

મુંબઈની લોકલ ટ્રેનનાં મોટા ભાગનાં સ્ટેશનો ૮૦ વર્ષ જૂનાં છે અને હવે પૉપ્યુલેશન અને પ્રવાસીઓની સંખ્યા વધતાં ત્યાં ભીડ વધી જાય છે ત્યારે એનું રિનોવેશન કરવું જરૂરી છે. બોરીવલી સ્ટેશનની જે રીતે કાયાપલટ કરવામાં આવી છે એ જ પ્રમાણે પ્રવાસીઓને સુવિધા મળી શકે એ માટે ફુટઓવર બ્રિજ (એફઓબી) બનાવવા, એલિવેટેડ ડૅક બનાવવા, એફઓબીને અંદરથી જોડતા સ્કાયવૉક બનાવવા, હરિયાળીવાળા લૅન્ડસ્કેપ બનાવવા અને સ્થાનિક સંસ્કૃતિ તેમ જ એ વિસ્તારની ખાસિયત અને ખૂબીઓને ઉજાગર કરતાં પે​ઇન્ટિંગ્સની થીમ સાથે અન્ય સુવિધાઓ ઊભી કરવાનો આ પ્લાન છે. સેન્ટ્રલ લાઇનનાં મુલુંડ, ડો​​મ્બિવલી, નેરળ અને કસારા; જ્યારે વેસ્ટર્ન લાઇનનાં મુંબઈ સેન્ટ્રલ, સાંતાક્રુઝ, કાંદિવલી અને મીરા રોડનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

mumbai mumbai news western railway central railway mulund dombivli nerul mumbai central mira road santacruz kandivli