એક જ પરિવારની ચાર પેઢીએ કરી પારંપરિક રીતે ભાઈબીજની ઉજવણી

16 November, 2023 07:45 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

એટલું જ નહીં, સચેતા પરિવારના ૧૨૬ પરિવારજનો હોળીથી લઈને નવરાત્રિ અને રક્ષાબંધન જેવા તહેવારો એકસાથે ઊજવશે: મૃત્યુ પામેલા પરિવારના વડીલોને પણ તેમણે શ્રદ્વાંજલિ આપી

સચેતા પરિવારના ૧૨૬ પરિવારજનોએ સાથે મળીને ભાઈબીજ મનાવી હતી અને ત્રણ દિવસના કાર્યક્રમમાં તમામ લોકોને વિવિધ પ્રકારની ભેટવસ્તુઓ આપવામાં આવી હતી.

મુંબઈ, ભિવંડી, ભાઈંદર, બોરીવલી, હિંમતનગર એમ મુંબઈ અને ગુજરાતના વિવિધ ભાગોથી આવેલા એક જ પરિવારની ચાર પેઢીઓ, બહેન-દીકરીઓ એમ ૧૨૬ લોકોએ એકસાથે ભેગા થઈને પારંપરિક રીતે ભાઈબીજની ઉજવણી કરી હતી. એટલું જ નહીં, વર્ષમાં આવતા બધા તહેવારો પણ તેઓ એકસાથે ઊજવવાના છે. મૃત્યુ પામેલા પરિવારના વડીલોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તેમનો ફોટો ધરાવતા લોગો જેવી ટ્રોફી પણ તેમના પરિવારને આપી હતી. આ ઉપરાંત બહેન-દીકરીઓને જીવનભર યાદગાર રહી જાય એવી અનેક પ્રકારની ભેટવસ્તુઓ આપીને કંઈક અનોખી રીતે તેમણે ત્રણ દિવસના મેળાવડાનું આયોજન કર્યું છે.

સચેતા પરિવારની ચાર પેઢીના તમામ સભ્યો સહિત બહેન-દીકરીઓ મુંબઈ અને ગુજરાતથી ભેગી થઈ છે. ગઈ કાલે પ્રથમ દિવસે પારંપરિક રીતે ભાઈની પૂજા કરીને એકસાથે ૨૫ ભાઈઓની ભાઈબીજ કરી હતી. ગુજરાતના તલોજ ગામ ખાતે ગઈ કાલથી શરૂ થયેલા આ પારિવારિક મેળાવડામાં આજના યુગને શીખવા મળતા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભાઈંદરમાં રહેતાં પરિવારનાં સભ્ય પન્ના શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આપણે વિચારી પણ ન શકીએ એવું અમારા મામા અને સંપૂર્ણ પરિવારે ભવ્ય આયોજન કર્યું છે. પાસે રહેતા હોવા છતાં પરિવારજનો એકબીજાને મળી શકતા નથી ત્યારે મુંબઈ અને ગુજરાતના ૧૨૬ જેટલા સભ્યો એકસાથે ભેગા થયા છે. એથી વર્ષભરમાં યોજાતા તહેવારો હોળી, કડવા ચોથ, નવરાત્રિ, દિવાળી એવા તમામ તહેવારો એકસાથે બધા મનાવશે. ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજવામાં આવી છે. ગઈ કાલે ભાઈબીજમાં ૨૫ ભાઈઓની એકસાથે ભાઈબીજ કરી હતી અને પૂજાવિધિ સાથે ઉજવણી કરી હતી.’

આ કાર્યક્રમનું આયોજન કરનાર સતીશ શાહે કહ્યું હતું કે ‘ત્રણ દિવસના આ કાર્યક્રમમાં પરિવારના જે વડીલો મૃત્યુ પામ્યા છે તેમને યાદ કરીને અને તેમના વિશે બે શબ્દો બોલીને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં, પરિવારના જે વડીલો મૃત્યુ પામ્યા છે અથવા હયાત છે તેમના ફોટો લોગોની સાથે ટ્રોફીમાં સરસ બનાવીને ભેટરૂપે આપવામાં આવ્યા છે. દરેક પરિવારને તેમના સભ્યોના ફોટો સાથે તાજનાં કાર્ડ પણ યાદગીરી માટે આપ્યાં છે. અમારો પરિવાર કેવી મુશ્કેલીઓથી બહાર આવ્યો અને દાદાએ નવ ભાઈઓને કેવી રીતે મોટા કર્યા એ વિશે તમામ વિગતવાર માહિતી અપાઈ હતી. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં પહેલા દિવસે ભાઈબીજ, વડીલ વંદના, પુલપાર્ટી, ક્રિકેટ, વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બધાનું વાજતે-ગાજતે આવતાંની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવાર હશે તો જ જીવન જીવી શકશો એ સંદેશ આપવા આટલી મહેનત કરાઈ હતી.’

borivali diwali bhai dooj mumbai mumbai news preeti khuman-thakur