29 June, 2021 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જે બંગલામાં રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યાં તપાસ કરતી ઇગતપુરી પોલીસની ફાઇલ તસવીર
નાશિક નજીકના ઇગતપુરીના બે બંગલામાં પાર્ટી કરી રહેલાઓ પર શનિવારે મધરાત બાદ ત્રાટકેલી પોલીસે ૧૦ પુરુષો અને ૧૨ મહિલાઓની ધરપકડ કરી હતી. નાશિક ગ્રામીણના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સચિન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ લોકોમાંથી કેટલાક પાસેથી અમને ચરસ-ગાંજો અને કોકેન મળી આવ્યા હતા. વળી એ ક્વૉન્ટિટી પણ કમર્શિયલ કહી શકાય એટલી હતી. પકડાયેલી મહિલાઓમાં ચાર-પાંચ બૉલીવુડ અને સાઉથની ફિલ્મો સાથે સંકળાયેલી અભિનેત્રીઓ હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે અમે ચાર જણ સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, જ્યારે અન્યો સામે આઇપીસીની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. સોમવારે તેમને સ્થાનિક કોર્ટમાં હાજર કરાયા હતા.’
ઇગતપુરી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સમાધાન નાગરેએ કહ્યું હતું કે ‘બંને ગુનાના આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે એનડીપીએસના ગુનામાં નોંધાયેલા ચાર આરોપીઓને ૭ જુલાઈ એટલે કે નવ દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી, જ્યારે અન્ય આરોપીઓને એક દિવસની કસ્ટડી આપી હતી.’