20 September, 2024 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર સંજય પાંડેએ ગઈ કાલે કૉન્ગ્રેસનાં મુંબઈ અધ્યક્ષા વર્ષા ગાયકવાડના હાથે કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ ગઈ કાલે મુંબઈ કૉન્ગ્રેસનાં અધ્યક્ષા અને સંસદસભ્ય વર્ષા ગાયકવાડની હાજરીમાં પક્ષપ્રવેશ કર્યો હતો. આ સાથે જ સંજય પાંડેએ પોલીસ ડિપાર્ટમેન્ટ બાદ હવે રાજકારણમાં નવી ઇનિંગ્સની શરૂઆત કરી છે. તેઓ મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં વર્સોવા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જના અધિકારીઓ અને કર્મચારીઓના ફોન ટૅપ કરવાના મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ સંજય પાંડે, તેમનાં મમ્મી સંતોષ પાંડે અને પુત્ર અરમાન પાંડે સામે તાજેતરમાં જ ગુનો નોંધ્યો હતો. એ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે મની લૉન્ડરિંગનો કેસ નોંધીને સંજય પાંડેની ૨૦૨૨માં ધરપકડ કરી હતી. અત્યારે તેઓ જામીન પર છે. પોતાની સામેના કેસની તપાસથી બચવા માટે સંજય પાંડેએ કૉન્ગ્રેસનો હાથ પકડ્યો હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં સંજય પાંડેએ રાષ્ટ્રીય જનહિત પાર્ટી નામના પક્ષની સ્થાપના કરી હતી અને વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.